જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જન કલ્યાણ શિબિરનું ત્રણ સ્થળોએ આયોજન
આગામી તા. 13 થી 19 દરમ્યાન કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ તા. 10
રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેક વિવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનોને ઝડપી સેવા આપવા માટે "જન કલ્યાણ શિબિર" કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકા, જુનાગઢના સંયુક્ત ઉપક્રમે જન કલ્યાણ શિબિરનું જૂનાગઢનાં વિવિધ વિસ્તારોમાં આયોજન કરવામાં આવેલ છે જેમાં તા.13/06/2026 સવારે 9:00 થી સાંજે 5:00 કલાક સુધી દોમડીયા વાડી,ભૂતનાથ મંદિર પાસે, જુનાગઢવોર્ડ નં. 11,12,13,14,15 માટે તેમજ તા:16/06/2026 ડૉ.આંબેડકર ભવન, સક્કરિયો ટીંબો, દુબળી પ્લોટ પાસે,જુનાગઢ ખાતે વોર્ડ નં. 8,9,10 માટે તેમજ તા:19/06/2026 કિયાડા વાડી,પટેલ સમાજ, જોષીપુરા ખાતે વોર્ડ નં. 1,2,3,4,5,6,7 માટે આયોજન કરવામાં આવેલ છે. અરજી સ્વીકારવાનો સમય બપોરના 2:00 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમનો વધુને વધુ લોકો લાભ લે તે માટે મેયર ધર્મેશભાઈ પોંશીયા, ડે. મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસકપક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી દ્વારા સૌ શહેરીજનોને અનુરોધ કરવામાં આવેલ છે.
વધુમાં રાજય સરકાર ધ્વારા પારદર્શક અને સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારની વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર ધ્વારા અનેક વિવિધ યોજનાઓ, સહાયો, જાહેર સેવાઓ આધારકાર્ડ નોંધણી, આયુષ્યમાન કાર્ડ, આયુષ્યમાન વય વંદના કાર્ડ, પી.એમ.સુર્યઘર યોજના, પી.એમ.સ્વનિધી યોજના, સખીમંડળ, જનધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતીના દાખલા, ઉજજવલા યોજના, જુદી-જુદી બેંકો દ્વારા ખાતા ખોલવા,વિજળીકરણ, સ્વરોજગાર યોજના એસ.ટી વિભાગ દ્વારા માસિક પાસ તથા ઓનલાઈન રીઝર્વેશન તેમજ વિવિધ સેવાઓના સ્ટોલ કાર્યરત કરવામાં આવશે.
આ તમામ સેવાઓ સ્થળ પર જ અરજી લઈ પૂરી પાડવામાં આવશે.તેમજ વ્યક્તિલક્ષી રજૂઆત પણ ધ્યાનેલઈ તેનો સ્થળ ઉપર જ પ્રશ્નનો નિકાલી કરવામાં આવશે તેમજ વિવિધ સહાય મેળવવા ઈચ્છતા લોકોએ પોતાના આધાર પુરાવા સાથે હાજર રહેવા જનસંપર્ક અધિકારીની એક યાદીમાં જણાવેલ છે.


