જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં કાલે રામનવમીની ભવ્ય ઉજવણી થશે

ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રાગટય મહોત્સવ નિમીતે જૂનાગઢમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે : લોકોમાં ભારે ઉત્સાહ

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં કાલે રામનવમીની ભવ્ય ઉજવણી થશે

જૂનાગઢ તા. રપ
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રાગટય મહોત્સવ રામનવમીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. રામનવમી પર્વ પ્રસંગે જૂનાગઢ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા યોજવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. રામલલ્લાના પ્રાગટય દિનને ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે.
ચૈત્ર સુદ-૯ રામનવમીનો દિવસ અયોધ્યાનાં રાજા ભગવાન શ્રીરામચંદ્રજીનાં પ્રાગટય મહોત્સવની સર્વત્ર ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલ તા.ર૬ માર્ચ ગુરૂવાર ચૈત્ર સુદ-૯ ‘રામ નવમી’ના પાવન અવસરની ઉજવણી માટે જૂનાગઢમાં હરીઓમ ગૃપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે. રામનવમી પર્વની ઉજવણી અંતર્ગત આજે રપ માર્ચના જૂનાગઢમાં આઝાદ ચોકથી કાળવા ચોક સુધી ભવ્ય શણગાર કરવામાં આવેલ છે. તેમજ વિવિધ પોઈન્ટ પર દશાવતારનાં પ્રસંગો દર્શાવતી થીમ રજુ કરવામાં આવી છે. સેલ્ફી પોઈન્ટ ભગવાન રામચંદ્રજીના ગીતોનો ગુંજારવ થકી ભગવાનનાં આગમનને વધાવવા દિવાળી જેવો માહોલ તેયાર કરવામાં  આવેલ છે.
રામનવમીના દિવસે આવતીકાલ ર૬ માર્ચનાં બપોરે એક શોભાયાત્રા યોજાશે. બપોરે ૪.૩૦ કલાકે ઉપરકોટ રોડ રામજી મંદિર ખાતેથી સંતો, મહંતો તેમજ અગ્રણીઓનાં હસ્તે શોભાયાત્રાનું પ્રસ્તાન થશે. જેમાં અયોધ્યામાં રામમંદિર ધ્વજારોહણ કાર્ય પુર્ણ થયું તે પ્રસંગને અનુરૂપ ૩૦ ફુટનાં પિતળનાં ધ્વજાદંડ પર બાવન ફુટની ધ્વજા લહેરાવશે. સમગ્ર રોડ પર વ્હીલ ટ્રોલી પર ધ્વજાજીને રાખવામાં આવશે. શોભાયાત્રામાં ચાંદીની પાલખીમાં રામચંદ્રજી બિરાજમાન થશે. આ ઉપરાંત રૂટ ઉપર ભગવાન શ્રીરામ અને માતા સિતાજી લંકાથી પ્રવેશ્યા બાદ અયોધ્યામાં જે પ્રકારે  સ્વાગત થયું હતું તે પ્રસંગને અનુરૂપ ટ્રેડીશ્નલ વસ્ત્રો પહેરેલા ૪૦ યુવકોની ટીમ દ્વારા લાઈવ ફલોટ રજુ કરશે.
શોભાયાત્રામાં ભગવાન રામચંદ્રજીનાં જીવનનાં પ્રસંગોને વર્ણવતા ફલોટ રજુ કરવામાં આવશે. શહેરનાં વિવિધ માર્ગો ઉપરથી ફરી આ શોભાયાત્રા કાળવા ચોક, ગોદડ અખાડા ખાતે સંપન્ન થશે.
જૂનાગઢ શહેરમાં રામનવમી પર્વને ઉત્સાહભેર અને ભાવભેર ઉજવવામાં આવશે. આ સાથે જ ભગવાન શ્રીરામચંદ્રજીનાં મંદિર તેમજ ધાર્મિક જગ્યાઓમાં પણ રામનવમીની ઉજવણી થશે. મંદિરોમાં ધ્વજા પતાકા સાથે અનેરી સજાવટ કરવામાં આવી છે. ભગવાન રામચંદ્રજીનાં પ્રાગટય મહોત્સવ નિમીતે વિશેષ પૂજા, ઝાલર, શંખ, નગારાનાં રણકાર સાથે મહાઆરતી તેમજ પંજરી પ્રસાદ ધરવા અને ભાવિકોને જપંજરી પ્રસાદ આપવામાં આવશે. રામનવમી પર્વની જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ગામેગામ શોભાયાત્રા સહીતનાં કાર્યક્રમો યોજાશે. લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે.