ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલી ટેરિફ ઘટાડવાનો સંકેત આપ્યો
“અમે ભારત સાથે વ્યાજબી સોદો કરી રહ્યા છીએ : તેઓ ફરીથી આપણને પસંદ કરશે ” - ટ્રમ્પ
(એજન્સી) વોશિગ્ટન,તા.૧૨:
ડીસી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારત સાથે વેપાર સોદાનો સંકેત આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈ સમયે, અમેરિકા ભારત પર ટેરિફ ઘટાડશે. ટ્રમ્પે આ ટિપ્પણી ભારતમાં રાજદૂત તરીકે સજિર્યો ગોરના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે વેપાર સોદા વિશે ખાસ વાત કરી હતી. તેમણે કહ્યું, તેઓ મને હમણાં પસંદ નથી કરતા, પરંતુ તેઓ અમને ફરીથી પસંદ કરશે.
વાસ્તવમાં, ટ્રમ્પને ઓવલ ઓફિસમાં પૂછવામાં આવ્યું હતું કે ભારત સાથે વેપાર સોદો કેટલો નજીક છે ? અને શું તેઓ નવી દિલ્હી પર ટેરિફ ઘટાડવાનું વિચારશે ? તેનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું, અમે ભારત સાથે એક સોદો કરી રહ્યા છીએ. આ સોદો પહેલા જે થયો હતો તેના કરતા ઘણો અલગ છે. તેઓ મને અત્યારે પસંદ નથી કરતા, પણ તેઓ ફરીથી આપણને પસંદ કરશે. અમને એક વાજબી સોદો મળી રહ્યો છે. તેઓ ખૂબ સારા વાટાઘાટકાર છે, મને લાગે છે કે અમે એક એવા સોદાની ખૂબ નજીક છીએ જે દરેક માટે સારું હોય.


