ડિજિટલ કન્ટેન્ટ લોકોને એકલવાયા બનાવે છે, સિનેમા એકબીજા સાથે જોડે છે : ઈમ્તિયાઝ અલી
થિયેટરમાં ફિલ્મ જોવાનો અનુભવ સામૂહિક આનંદ અને લાગણીઓ વહેંચવાની તક આપે છે; કોવિડ પછી દર્શકોની ફિલ્મ જોવાની આદતોમાં મોટો ફેરફાર આવ્યો હોવાનું ફિલ્મમેકરનું મંતવ્ય
મુંબઈ, તા. ૩
ફિલ્મમેકર ઈમ્તિયાઝ અલીનું માનવું છે કે ડિજિટલ કન્ટેન્ટના વધતા વપરાશને કારણે લોકો વધુ એકલવાયા બની રહ્યા છે, જ્યારે થિયેટરમાં ફિલ્મ જોવાનો અનુભવ લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. તેમના મતે સિનેમા માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ લોકો સાથે મળીને લાગણીઓ અને આનંદ વહેંચી શકે તેવો સામૂહિક અનુભવ પણ છે.
ઈમ્તિયાઝ અલીએ જણાવ્યું કે કોવિડ બાદ લોકોની ફિલ્મ જોવાની આદતોમાં મોટો ફેરફાર આવ્યો છે. આજે લોકો રીલ્સ, સ્ટોરીઝ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા પહેલાં કરતાં અનેકગણું વધુ કન્ટેન્ટ જુએ છે. જોકે, આ પ્રકારનું કન્ટેન્ટ મોટાભાગે મોબાઈલ કે અન્ય ઉપકરણો પર એકલાં બેસીને જોવામાં આવે છે. તેની સામે થિયેટરમાં ફિલ્મ જોતી વખતે આસપાસ બેઠેલા લોકો સાથે એકસરખી લાગણીઓ અને પ્રતિસાદ વહેંચવાનો અનોખો આનંદ મળે છે.
તેમણે કહ્યું કે માણસને બીજાથી અલગ-થલગ રહીને જીવવા માટે બનાવવામાં આવ્યો નથી. ડિજિટલ દુનિયાની એક મર્યાદા એ છે કે તે લોકોને એકલાં પાડે છે, જ્યારે સિનેમા સામૂહિક અનુભવ પૂરો પાડે છે. ફિલ્મો કેવી રીતે સફળ થાય તેનું કોઈ ચોક્કસ સૂત્ર તેમની પાસે નથી, પરંતુ દર્શકો થિયેટરમાં જઈને ફિલ્મો જુએ તેવી તેમની આશા છે. તેમની ફિલ્મ 'મૈં વાપસ આઉંગા'ના કિસ્સામાં આવો પ્રતિસાદ મળ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
પોતાની છેલ્લી ફિલ્મને વિવેચકોની પ્રશંસા અને વ્યાવસાયિક સફળતા બંને મળવી સદનસીબ ગણાવતાં ઈમ્તિયાઝે કહ્યું કે ફિલ્મમેકર અને દર્શકો વચ્ચે સીધો સંવાદ હોવો જરૂરી છે. કલાકારો અને સર્જકોએ લોકો સાથે જોડાયેલા રહેવું જોઈએ, જેથી તેઓ દર્શકોની અપેક્ષાઓ સમજી શકે અને પોતાના ક્ષેત્રમાં વધુ સારું કામ કરી શકે. જો સર્જકો દર્શકો સાથેનો સંપર્ક ગુમાવે તો તેઓ જાણે અંધારામાં તીર ચલાવતા હોય તેમ કામ કરે છે અને ઘણીવાર તેમની રચના ધાર્યા પ્રમાણે સફળ થતી નથી.
પોતાની આગામી ફિલ્મ અંગે વાત કરતાં ઈમ્તિયાઝ અલીએ જણાવ્યું કે હાલમાં તેઓ એક વાર્તા લખી રહ્યા છે. આ ફિલ્મ સમકાલીન વિષય પર આધારિત હશે કે રોમેન્ટિક ડ્રામા હશે તે અંગે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.


