દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૬૬ ગામના રસ્તા ખખડધજ ભ્રષ્ટાચાર અને ઓવરલોડ વાહનો સામે ખેડૂતો દ્વારા રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૬૬ ગામના રસ્તા ખખડધજ ભ્રષ્ટાચાર અને ઓવરલોડ વાહનો સામે ખેડૂતો દ્વારા રજૂઆત

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર૩
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના આશરે ૧૬૬ ગામોના રોડ-રસ્તા અને પુલ-બ્રિજની હાલત અત્યંત ખખડધજ અને બિસ્માર હોવા અંગે જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં તમામ આધાર-પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જણાવાયું છે કે જિલ્લાના અનેક રસ્તાઓના કામના ટેન્ડર મંજૂર થઈ ગયા હોવા છતાં એજન્સીઓ દ્વારા જાણી જોઈને કામ શરૂ કરવામાં આવતું નથી. જે રસ્તાઓના કામ ચાલુ છે તેમાં નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર આચરી તિજોરી ભરવામાં આવી રહી છે. ખાનગી વીજ વહન અને વીજ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા નિયમ વિરૂધ્ધ ઓવર ડાયમેન્શનલ કેરેજ (ODC) અને ઓવરલોડેડ ભારે વાહનો, રોડ અને પુલની ક્ષમતા ન હોવા છતાં તેના પરથી ચલાવીને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓને તહસ-નહસ કરી નાખવામાં આવ્યા છે. આ ગંભીર બાબતે તાત્કાલિક તટસ્થ તપાસ કરી, જવાબદાર એજન્સીઓ અને કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી, વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે અને મંજૂર થયેલ રસ્તાઓનું એજન્સીઓ દ્વારા તત્કાલીન કામ ચાલુ કરવામાં આવે તેવી આ ૧૬૬ ગામના ખેડૂતો વતી ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે દરેક રોડ જ્યાંથી શરૂ થતો હોય ત્યાં તે રોડની અને પુલ બ્રિજની કેટલી કેપેસિટી છે તેના બોર્ડ લગાડવામાં આવે વધુ ઓવરલોડ વાહનો નિયમો વિરુદ્ધ ચાલતા હોય તે બંધ કરવામાં આવે. આ બાબતે આમ આદમી પાર્ટીના દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ અને રાણ જિલ્લા પંચાયતના સદસ્ય રામજીભાઈ પરમાર દ્વારા ૧૬૬ ગામના ખેડૂતો આગેવાનોને સાથે લઈને સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.