નવાગામ ખાતે શનિવારે સુત્રાપાડા તાલુકા કોળી સમાજનો ૧૮મો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
ધોરણ ૧૦થી અનુસ્નાતક સુધી ૭૫ ટકાથી વધુ ગુણ મેળવનાર ૩૬૮ વિદ્યાર્થીઓનું શીલ્ડ આપી સન્માન કરાશે
(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ તા.૬
સુત્રાપાડા તાલુકા કોળી સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ વધારવા અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરૂ પાડવાના હેતુથી આયોજિત ૧૮મો સરસ્વતી સન્માન સમારોહ આગામી શનિવારે નવાગામ ખાતે યોજાશે. છેલ્લા ૧૮ વર્ષથી સતત યોજાતા આ સમારોહ માં આ વર્ષે કુલ ૩૬૮ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. સુત્રાપાડા તાલુકા કોળી સમાજ દ્વારા વર્ષ ૨૦૨૬માં ધોરણ ૧૦ થી લઈને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માં ૭૫ કે તેથી વધુ ટકા ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન સરકારી નોકરીમાં જોડાયેલા સમાજના યુવાનો અને યુવતીઓ નું પણ શાલ ઓઢાડી તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવશે. આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ એ વ્યક્તિ, પરિવાર અને સમગ્ર સમાજની પ્રગતિનો મજબૂત પાયો છે. સમાજના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ તરફ પ્રેરાય, શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરે અને પોતાની કારકિર્દીનું ઉજ્જવળ ઘડતર કરે તેવા આશયથી કોળી સમાજ દ્વારા દર વર્ષે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે સમાજના વડીલો, આગેવાનો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ૧૮ વર્ષથી ચાલી આવતી આ શૈક્ષણિક પ્રોત્સાહનની પરંપરા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને નવી પેઢીમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે.(તસ્વીર : જાદવભાઈ ચુડાસમા)


