પિતૃ દેવોભવ- જૂનાગઢનાં દામોદરકુુંડ ખાતે ભાવિકો ઉમટી પડયા

ચૈત્રી અમાસની ભાવભેર ઉજવણી - દિવંગત સ્વજનોના મોક્ષાર્થે પિપળે પાણી રેડી આશીર્વાદ મેળવતા ભાવિકો

પિતૃ દેવોભવ- જૂનાગઢનાં દામોદરકુુંડ ખાતે ભાવિકો ઉમટી પડયા

જૂનાગઢ તા.૧૭
ચૈત્રી અમાસ એટલે કે પિતૃ અમાસની આજે સર્વત્ર ભાવપુર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢનાં દામોદરકુંડ, પ્રાંચી તેમજ પાટણ સહીતનાં પવિત્ર સ્થાનોમાં આજે ભાવિકો દ્વારા પોતાના દિવંગત સ્વજનોનાં મોક્ષાર્થે વિવિધ કાર્યક્રમો ઠેર-ઠેર  યોજવામાં આવી રહયા છે. 
ચૈત્ર વદ અમાસ ને પિતૃ અમાસ તરીકે પણ મનાવવામાં આવે છે. આ દિવસનું ખુબજ મહત્વ ધાર્મિક દ્રષ્ટીએ રહેલું  છે. શાસ્ત્રોકત અનુસાર દિવંગત સ્વજનોનાં મોક્ષાર્થે કરવામાં આવતી ધાર્મિક વિધીઓ આ દિવસે કરવામાં આવે તો ઉત્તમ ફળ આપે છે. સ્વજનોનાં આત્માની શાંતિ થાય છે તેમજ તેમનાં આશીર્વાદ પણ  મળે છે અને પરિવાર સુખી થાય છે. આપણા પુર્વજાેનાં ઋણ મુકત થવા માટે કેટલીક ધાર્મિક વિધી કરવામાં આવે છે અને વિધી વીધાન સાથે વિધ્વાન બ્રાહ્મણો પાસે કરાવવામાં આવતી ધાર્મિક વિધીઓ દરેક પરિવારને સુખ, શાંતિ આપનારી બની રહે છે. ચૈત્ર માસ દરમ્યાન પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રધ્ધા પુર્વક પીંડદાન, નારાયણ બલી, નાગબલી, પ્રેતબલી, પંચબલી સહીતનાં ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. આ ઉપરાંત દિવંગત આત્માની શાંતિ અને મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનાં કાર્યક્રમો પણ ખુબજ ભાવપુર્વક કરવામાં આવે છે. આજે ચૈત્રી અમાસનાં દિવસે જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં પિતૃતર્પણનાં કાર્યો ભાવિકો દ્વારા કરવામાં આવી રહયા છે. જૂનાગઢના સુપ્રસિધ્ધ દામોદરકુંડ ખાતે સવારથી જ ભાવિકોનો પ્રવાહ ઉમટી પડયો છે અને પિતૃતર્પણ વિધી માટેનાં ધાર્મિક કાર્યોમાં સહભાગી થયેલ છે. આ ઉપરાંત પ્રાચી તીર્થ ક્ષેત્ર અને પાટણ તીર્થધામ ખાતે પણ ભાવિકો દ્વારા પિતૃતર્પણ વિધી માટેના કાર્યક્રમો યોજાઈ રહયા છે. જૂનાગઢ શહેરમાં આવેલા ધાર્મિક સ્થળોએ પણ આજે ભાવિકો દ્વારા પીપળે પાણી રેડી અને પોતાના પિતૃઓની તૃષા મીટાવી અને આશીર્વાદ અને કૃપા મેળવવામાં આવી રહી છે. ચૈત્રી અમાસનાં આજના દિવસે ઠેર-ઠેર પિતૃતર્પણ માટેના કાર્યક્રમો યોજાઈ રહયા છે. ભાવિકો દ્વારા પિતૃ ઋણ ચુકવવા અને દિવંગત સ્વજનોનાં આત્માની શાંતિ માટે આજે ભાવપુર્વક ધાર્મિક વિધીઓ કરવામાં આવી રહી છે.