પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાની અનાવરણ વિધીનો જૂનાગઢમાં ગૌરવરૂપ કાર્યક્રમ યોજાયો
મીઠા, મધુરા સ્વરે અલગ પ્રકારની ગાયકી અને સૂરીલા કંઠના કારણે દિવાળીબેન ભીલના કંઠે ગવાતા લોકગીતો, ભજનો, પ્રભાતીયા અત્યંત લોકપ્રિય બન્યા હતા : સાંજે સંગીત સંધ્યાનો કાર્યક્રમ
જૂનાગઢ તા.2
ઐતિહાસીક નગરી જૂનાગઢ શહેર અને જીલ્લાએ વિવિધ ક્ષેત્રોમાં અનન્ય યોગદાન આપનારા અનેક મહાનુભાવોની ભેટ આપી છે. ગાયકી ક્ષેત્રે પોતાના સુરીલા અવાજ, અલગ કંઠ માધુર્ય દ્વારા ઘણા વર્ષો સુધી લોકગીતો અને ભજનોને ગુંજતા રાખી અને એક અલગ પ્રકારની ગાયકીની કલા વહેતી રાખનારા દિવાળીબેન ભીલનું નામ જૂનાગઢ સહિત દેશભરમાં ગુંજતું રહ્યું છે. ગુજરાતી ફિલ્મના સુવર્ણકાળ દરમ્યાન ઉંચા ગજાના અનેક કલાકારોએ પોતાની કલા પીરસી છે ત્યારે લોકગાયક ક્ષેત્રે આગવું નામ ધરાવતા નામાંકીત કલાકારોમાં પણ જેઓનું આદર પૂર્વક નામ કાયમ રહ્યું છે તેવા દિવાળીબેન ભીલના કંઠે ગવાયેલા ગુજરાતી ફિલ્મ હોથલ પદમણીના, મારે... ટોડલે બેઠો મોર કાં બોલે... ના ગીતે ધુમ મચાવી દીધી હતી. આ ઉપરાંત શેઠ શગાળસા ફિલ્મનું મારે હાલરડે પડી હડતાલ, કુંવર ચેલૈયા, રે તુને ઘણી ખમ્મા સહિતના અનેક ગુજરાતી ફિલ્મોના ગીતોમાં પોતાના સ્વર દ્વારા ગવાતા લોકગીતોએ ખુબ જ લોકપ્રીયતા પ્રાપ્ત કરી હતી. એક સમય એવો હતો કે, ઘરે-ઘરે રેડીયોમાં દિવાળીબેન ભીલના કંઠે ગવાયેલા ગીતો લોકો માણતા હતા. આ ઉપરાંત ગંગાસતી અને પાનબાઈના ભજનો પણ અલગ હલકથી તેઓએ રજુ કર્યા છે. લોકગીતો, પ્રભાતીયા, ભજન અને સંતવાણીના કાર્યક્રમોમાં પણ તેઓએ ગાયકી ક્ષેત્રે હીર દર્શાવ્યું છે. વણઝારી ચોકની વર્ષો પહેલા થતી ગરબીમાં દિવાળીબેન ભીલના કંઠે ગવાતા માતાજીના ગરબા, રાસ, દુહા, રમઝટને માણવા લોકો દુર-દુરથી આવતા હતા. એકલું જૂનાગઢ જ નહીં પરંતુ ગુજરાતનું ગૌરવરૂપ એવા લોકગાયક દિવાળીબેન ભીલની યશસ્વી ગાયકીના યોગદાનને લઈને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત થયેલા છે ત્યારે જૂનાગઢ અને સોરઠ પંથકના ગૌરવસમા પદ્મશ્રી દિવાળીબેન ભીલની કાયમી સ્મૃતિ જળવાય રહે તે માટે જૂનાગઢમાં આજે દિવાળીબેન ભીલની પ્રતિમાના અનાવરણવિધીનો એક શાનદાર અને ગૌરવરૂપ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મુંબઈના હીરા માણેક ગ્રુપના પ્રતિનિધિ હાદિર્કભાઈ હુંડિયા દ્વારા મહાનગર પાલિકા,જુનાગઢને પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા આપવામાં આવેલ હતી. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજરોજ જૂનાગઢ શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ વિસ્તાર પાસે ગુજરાતનું ગૌરવ અને પ્રખ્યાત લોકગાયિકા પૂજ્ય પદ્મશ્રી દિવાળીબેન ભીલની જન્મજયંતી નિમિતે આ પ્રતિમાનું પદ્મશ્રી હાજીભાઇ કાસમભાઈ મીર(હાજી રમકડું), ડે.મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર,નાયબ કમિશ્નર ડી.જે.જાડેજા તથા જયેશભાઈ પી.વાજા,દંડક કલ્પેશભાઇ અજવાણી તેમજ સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેનશ્રી રાકેશભાઈ ધુલેશિયા તથા હરેશભાઈ પણસારા, કોર્પોરેટર પ્રવિણભાઇ વાઘેલા, ચંદ્રિકાબેન રાખસીયા, ભાવનાબેન વ્યાસ, સંજયભાઈ ધોરાજીયા, ભાવનાબેન ટાંક, વંદનાબેન દોશીના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ પ્રતિમાને પુષ્પાંજલિ અપિર્ત કરી હતી. આ પ્રસંગે પદ્મશ્રી દિવાળીબેન ભીલના પરિવારજનશ્રી વિજયભાઈ ભીલ, સુનીતાબેન ભીલ, ગોપાલભાઈ ભીલ, કિશોરભાઈ ભીલ તેમજ બલરામભાઈ ભીલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત,જાણીતા ભજનીક દીપકભાઈ જોષી અને ગુજરાતના અમર લોકગાયક સ્વ. પ્રાણલાલ વ્યાસના પરિવારજનો પણ આ ક્ષણના સાક્ષી બન્યા હતા. તેમજ પૂર્વ કોર્પોરેટર ભાવનાબેન હીરપરા, જૂનાગઢ મનપાના અધિકારીઓ, કર્મચારીઓ તથા શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ભરતભાઈ બાલસ, યોગીભાઈ પઢિયાર, જ્યોતિબેન વાડોલીયા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ઉપસ્થિત મહાનુભવો દ્વારા લોકસંગીત ક્ષેત્રે પદ્મશ્રી દિવાળીબેન ભીલના અમૂલ્ય પ્રદાનને યાદ કરવામાં આવેલ હતું. દરમ્યાન આજરોજ સાંજે 7.00 કલાકે નરસિંહ મહેતા સરોવર ખાતે આવેલા એમફી થિયેટર ખાતે સંગીત સંધ્યાનાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


