ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીને આઈએએસ સ્ટડી સેન્ટર મળ્યું : વિદ્યાર્થી જગતમાં આનંદની લાગણી
આઈએએસ સ્ટડી સેન્ટર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનાં કોચીંગ માટે મેરીટમાં આવેલા ૧૦૦ વિદ્યાર્થીઓને પુરતુ માર્ગદર્શન પ્રાપ્ત થશે : કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ
(જગડુશા ડી. નાગ્રેચા દ્વારા)
જૂનાગઢ તા. ૯
જૂનાગઢ બિલખા રોડ ઉપર ખડીયા નજીક આવેલ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી ખાતે આઈએએસ સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવી રહયું છે અને જેને લઈને જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતનાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનાં કોચીંગ માટે સુવિધા પ્રાપ્ત થઈ રહી છે. જેને લઈને વિદ્યાર્થી જગતમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આઈએએસ સ્ટડી સેન્ટર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનાં કોચીંગમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતનાં ૧૦૦ મેરીટવાળા વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. અને પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી રહી છે.
જૂનાગઢ શહેર અને જીલ્લો આજે શિક્ષણ ક્ષેત્રે ભારે હરણફાળ ભરી રહયો છે. અને શિક્ષણનું જાણે હબ બની રહયું છે. અને લાખો વિદ્યાર્થીઓ કારકીર્દી ઘડવા માટે કૃતનિશ્ચિય બન્યા છે અને જૂનાગઢની નામાંકીત યુનિવર્સીટીઓમાં પ્રવેશ મેળવી અને ભવિષ્યનું ઘડતર કરી રહયા છે. દરમ્યાન રાજય સરકાર દ્વારા આઈએએસની પરીક્ષા પાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આઈએએસ સેન્ટરો ખોલવા માટેની પ્રક્રિયાનાં ભાગરૂપે રાજયની ૧૦ યુનિવર્સીટીને પસંદ કરવામાં આવી છે. જેમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીની પણ પસંદગી થઈ છે. ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઈએએસ સ્ટડી સેન્ટર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચીંગ માટે વર્ષ ર૦રપ-ર૬ માટેની પ્રવેશ પરીક્ષા-ર૦રપ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજીઓ ઓનલાઈન જમા કરાવવા માટેની છેલ્લી તા. ૧પ સપ્ટેમ્બર છે. જે ઉમેદવારોના અરજીની તારીખે ર૦ વર્ષ પૂર્ણ થતા હોય અને સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા ગુજરાત રાજયનાં વિદ્યાર્થીઓ/વ્યકિતઓ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી સહીત ૧૦ સેન્ટરો ખાતેનાં આઈએએસ સ્ટડી સેન્ટરની પ્રવેશ પરીક્ષા ઓનલાઈન અરજી કરી શકે છે. પ્રવેશ પરીક્ષાના પરીણામના આધારે મેરીટમાં આવેલા ઉમેદવારોને મેરીટના આધારે પસંદ થયેલ સંસ્થા દ્વારા જયારે ડોકયુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે ઓરીજનલ ડોકયુમેન્ટસ રજુ કરવાના રહેશે.
આ ઉપરાંત કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીને સરકારે ૧૦૦ સીટની ફાળવણી કરી છે. પરીક્ષામાં પાસ થયેલા ૧૦૦ ઉમેદવારો અહીં આઈએએસની પરીક્ષાની ટ્રેનીંગ લેેશે. જેમાં સરકાર દ્વારા એકસપર્ટની સાથે કલેકટર, જીલ્લા પોલીસ વડા, આઈએફએસ સહીતના અધિકારીઓ પણ વિદ્યાર્થીઓના કલાસ લેેશે. સરકારનો ઉદેશ એટલો છે કે અત્યારે જેને પણ યુપીએસસીની પરીક્ષા આપવી છે તેમણે કાં તો અમદાવાદ અથવા તો દિલ્હી જવું પડે છે. આ ખર્ચો તમામ લોકોને પોસાય તેમ નથી. માટે નાના શહેરોની પસંદગી કરવામાં આવી છે. ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીને અપાયેલ આઈએએસ સ્ટડી સેન્ટરને ચલાવવા માટે સરકાર દ્વારા એક કર્મચારીની નિયુકતી થશે. જેનો પગાર રૂા. પ૦૦૦૦ હશે. આ કર્મચારી માત્ર સ્વામી વિવેકાનંદ આઈએએસ સેન્ટરનું જ કામ કરશે જેથી યુનિવર્સીટીઓમાં જે સ્ટાફ હોય તેને વધારાનું કામ નહી કરવું પડે. વિશેષમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી ખાતે શરૂ થયેલા આઈએએસ સ્ટડી સેન્ટરની સેવા પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને સગવડતા મળી રહે તે માટે કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટનાં કુલપતિ તરીકે ૪ વર્ષની સફળ કામગીરી નિભાવી છે. આ ઉપરાંત શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સીટી ગોધરા ખાતે પણ સાડા છ વર્ષની કુલપતિ તરીકેની તેઓની કામગીરી ખુબ જ સરાહનીય રહી છે. કુલપતિ તરીકેનાં ૧૦ વર્ષનાં બહોળા અનુભવનું ભાથુ તેમની પાસે રહેલું છે. ખુબ જ કાર્યદક્ષ, સ્નેહાળ, મિલનસાર અને વિદ્યાર્થીઓને યોગ્ય રીતે શિક્ષણની સુવિધા પ્રાપ્ત થાય તેમજ કુલપતિ તરીકેનું દાયીત્ય ખુબ જ સુંદર રીતે બજાવી શકાય. તેમજ યુનિવર્સીટીનાં વિકાસ કાર્યોને વેગવાન બનાવવા માટે જેઓનો સિંહ ફાળો રહેલો છે તેવા કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે તેઓનાં ફરજકાળ દરમ્યાન શ્રીગોવિંદગુરૂ યુનિવર્સીટીને આઈએએસ સ્ટડી સેન્ટર મળે તે માટે દરખાસ્ત મોકલી હતી અને તે પણ મંજુર થતા ત્યાં પણ આઈએએસ સ્ટડી સેન્ટર હાલ કાર્યરત છે. દરમ્યાન ૩ માસ પહેલા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં કુલપતિ તરીકે નિમણુંક પામેલા પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનો બેસ્ટ યુનિવર્સીટીનો દરજજાે મળે તે માટેના સઘન પ્રયાસો હાથ ધર્યા છે. અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીને પણ આઈએએસ સ્ટડી સેન્ટર પ્રાપ્ત થાય તેવા પ્રયાસો હાથ ધરતાં આજે તેનું પરીણામ મળ્યું છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા આઈએએસ સ્ટડી સેન્ટર શરૂ કરવા માટે રાજયની ૧૦ યુનિવર્સીટીમાં જૂનાગઢની પણ પસંદગી થઈ છે ત્યારે આ સંનિષ્ઠ કામગીરી બદલ ભકત કવિ યુનિવર્સીટીનાં કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણને અભિનંદનની વર્ષા પણ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર ભૂમિ સાથેની વાતચીતમાં કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં વિકાસની સાથે સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુવિધાઓ વધુને વધુ ઉત્તમ કવોલીટીની પ્રાપ્ત થાય તે માટેનાં મારા પ્રયત્નો રહેશે.


