મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર બે દિવસીય ગુજરાત પ્રવાસે, ગાંધી આશ્રમથી મુલાકાતનો પ્રારંભ

અમદાવાદ એરપોર્ટ પર અધિકારીઓએ કર્યું સ્વાગત; ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ, બીજા દિવસે 500થી વધુ BLO અને 1000થી વધુ ELC સભ્યો સાથે કરશે સંવાદ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર બે દિવસીય ગુજરાત પ્રવાસે, ગાંધી આશ્રમથી મુલાકાતનો પ્રારંભ

ગાંધીનગર તા.10
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચતા રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળે, અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.
ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે અમદાવાદના સાબરમતી નદી કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ ગાંધીજીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લઈ ત્યાં રેંટિયો કાતવાની પ્રક્રિયા નિહાળી હતી.
ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન જ્ઞાનેશકુમારે આશ્રમના નવીનીકરણ પ્રોજેક્ટ અંગે પણ માહિતી મેળવી હતી. વિઝિટર્સ બુકમાં સંદેશ લખતાં તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ શાંતિ અને માનવતાનો સંદેશ જે પવિત્ર સ્થળેથી પ્રસરી રહ્યો છે, તે સ્થળની મુલાકાત લેવી તેમના માટે સન્માનની વાત છે.
બે દિવસીય પ્રવાસ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લઈને ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો પરિચય મેળવશે. ઉપરાંત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે ‘ભારતમાં ચૂંટણીઓનું સંચાલન – વિશ્વની સૌથી મોટી લોકશાહી’ વિષય પર સંવાદ કરશે.
મુલાકાતના બીજા દિવસે, ૧૧ સપ્ટેમ્બરે, જ્ઞાનેશકુમાર ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા અટલ કલામ હોલમાં રાજ્યભરના ૫૦૦થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ સાથે સંવાદ કરશે. ત્યારબાદ શેલા સ્થિત AUDA ઓડિટોરિયમ ખાતે ૧૦૦૦થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબના સભ્યો સાથે પણ મુલાકાત અને સંવાદનો કાર્યક્રમ યોજાશે.
મુખ્ય ચૂંટણી કમિશનરની ગુજરાત મુલાકાત દરમિયાન ચૂંટણી વ્યવસ્થા, મતદાર જાગૃતિ અને લોકશાહી પ્રક્રિયામાં બૂથ લેવલ અધિકારીઓ તથા યુવાનોની ભૂમિકા સહિતના વિવિધ મુદ્દાઓ પર સંવાદ અને કાર્યક્રમો યોજાનાર છે.