માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર - જાેષીપુરા ખાતે માટીનાં ગણેશજી બનાવવાની સ્પર્ધા યોજાઇ
જૂનાગઢ, તા.ર૪
માટીમાંથી ગણેશજી બનાવવાની સ્પર્ધા એક સુંદર અને કલાત્મક પ્રવૃત્તિ છે. આવી પ્રવૃત્તિથી બાળકોમાં ધીરજ, એકાગ્રતા અને મહેનત કરવાની ભાવના વિકસે છે, પોતાનાં હાથથી ગણેશજીની મૂર્તિ બનાવવાથી બાળકોને આનંદ અને ઉત્સાહ સાથે કંઈક નવું શીખવાની અને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક પણ મળે છે. કુદરતી માટીમાંથી મૂર્તિનાં સર્જન અને વિસર્જનથી પર્યાવરણને ખૂબ જ ઓછું નુકશાન થાય છે, આથી આવી સ્પર્ધા માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ તે કલા, સંસ્કૃતિ, સ્વચ્છત્તા અને પર્યાવરણ જાગૃતિનો સુંદર સમન્વય પણ છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે સર્જનાત્મક અને મૌલિક કૌશલ્ય કેળવવાની તક પૂરી પાડતી અનેકવિધ સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ સરકારશ્રી દ્વારા ખૂબ ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. ગણેશોત્સવનાં પાવન અવસરને વધુ સુંદર અને પર્યાવરણમિત્ર બનાવવાનાં હેતુથી, ડૉ.હરિભાઈ ગોધાણી કેમ્પસ સ્થિત માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર-જાેષીપુરા, જૂનાગઢ ખાતે તા.૧૬-૦૯-૨૦૨૬ ને બુધવારનાં રોજ “કુદરતી માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા”નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં શાળાની વિદ્યાર્થિનીઓએ ગણેશજીની વિવિધ મૂર્તિઓ તૈયાર કરીને પોતાના પરંપરાગત કૌશલ્યો, મૌલિકતા અને સર્જનાત્મક્તાનું અદ્દભુત પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે શાળાનાં આચાર્યા સુશ્રી જયશ્રીબેન રંગોલિયા, બામણગઢ હાઇસ્કૂલનાં આચાર્ય સુશ્રી કોકિલાબેન ઉંધાડ તથા શાળાનાં શિક્ષકો સુશ્રી પ્રકૃતિબેન શર્મા અને સુશ્રી કંકુબેન ચાવડા સહિતનાં નિર્ણાયકોનાં હસ્તે સ્પર્ધામાં ભાગ લેનાર અને શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામેલ દીકરીઓને પુરસ્કાર અર્પીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. શાળામાં આ પ્રવૃત્તિનાં આયોજન બદલ સંસ્થાનાં ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયા, જાેઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી મૃણાલિનીબેન ગોધાણી સહિતનાં ટ્રસ્ટીઓ, વહીવટી અધિકારી કે.પી. ગજેરા, શિક્ષણ નિયામક જી.બી. છોડવડીયા સહિતના વિદ્યાગુરૂઓ તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યાં હતાં.


