માળીયા હાટીના તાલુકાનાં પાણીધ્રા ગામે બનેલી ચકચારી ઘટનાથી ખળભળાટ
ઝેરી કેમિકલ મિશ્રીત આલ્કોહોલ પ્રકારનું ઝેરી પીણું પીવાથી પાંચ વ્યકિતને અસર : બે ગંભીર
જૂનાગઢ તા. 2
જૂનાગઢ જીલ્લાનાં માળીયા હાટીના તાલુકાનાં પાણીધ્રા ગામે બનેલી ઘટનામાં ઝેરી કેમિકલ મિશ્રિત આલ્કોહોલ પ્રકારનું પીણું પીવાના કારણે ચાર થી પાંચ વ્યકિતઓને ગંભીર અસર પહોંચતા તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે. જેમાંથી બે વ્યકિતની હાલત નાજુક હોય તેમને જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર આવેલ હોપ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. આ બનાવનાં અનુસંધાને પોલીસે 7 થી 8 વ્યકિતની અટક કરી તપાસ હાથ ધરી છે. લઠ્ઠાકાંડ જેવી આ ઘટનાને પગલે ભારે ખળભળાટ મચી ગયો છે.
આ બનાવ અંગે પ્રાથમિક વિગતો અનુસાર માળીયાનાં પાણીધ્રા ગામે બનેલી ઘટનામાં અગરબતી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતું આલ્કોહોલ જેવા પદાર્થને પાણીમાં ભેળવી અને તેને દારૂ તરીકે વેચાણ કરવામાં આવી રહયું હતું. આ દારૂ પીનાર ચાર થી પાંચ વ્યકિતને ગંભીર અસર થતાં આ બનાવને લઈને ભારે દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં વિસાવદર ડીવીઝનનાં એએસપી રોહિત ડગર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. ગંભીર અસર પામેલા ચાર થી પાંચ વ્યકિત પૈકી ત્રણ વ્યકિતને પ્રાથમિક સારવાર આપી તેઓને રજા આપી દેવામાં આવી છે જયારે જેમની સ્થિતિ નાજુક છે તેવી બે વ્યકિતને જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ હોપ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. આઈસીયુમાં તેમની સારવાર થઈ રહી છે. દરમ્યાન આ બનાવનાં અનુસંધાને વિસાવદર ડીવીઝનનાં એએસપી રોહિત ડગરે સૌરાષ્ટ્ર ભૂમિ સાથેની વાતચીતમાં બનાવ અંગેની વિસ્તૃત વિગતો આપતા કહયું કે, અગરબતી બનાવવામાં ઉપયોગમાં લેવાતા આલ્કોહોલ જેવા પદાર્થનું મિશ્રણ કરી તેને દારૂ તરીકે વેચાણ કરનાર શંકાસ્પદ વ્યકિતને પણ પોલીસે ઝડપી લઈ મોબાઈલ પણ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ આ વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃતિમાં સક્રિય એવા 7 થી 8 વ્યકિતઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે. માળીયા પંથકમાં પાણીધ્રા ગામે સર્જાયેલી ઝેરી પીણું પીવાના કારણે ચાર થી પાંચ વ્યકિતઓને ઝેરી અસર થવાના પગલે ભારે ખળભળાટ મચી ગયો છે. જાે કે હજુ સત્તાવાર સુત્રો તેને લઠ્ઠાકાંડ બતાવી રહયા નથી. આ લખાય રહયું છે ત્યારે પ્રાપ્ત વિગત મુજબ હજુ સુધી સત્તાવાર રીતે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.


