મોહર્રમના તહેવાર પૂર્વે સંકલન બેઠક યોજવા મોહર્રમ એકતા સમિતિ દ્વારા રજુઆત
જૂનાગઢ તા.10
આગામી સપ્તાહથી મોહર્રમનો તહેવાર શરૂ થઈ રહ્યો હોય, તે પૂર્વે વિવિધ મુદ્દાઓ સબબ રાબેતા મુજબની સંકલન બેઠક યોજવાની જૂનાગઢ શહેર મોહર્રમ એકતા સમિતિ દ્વારા રજુઆત કરવામાં આવેલ છે. જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં એકતા સમિતિએ રજુઆત કરતા જણાવ્યું છે કે, મહોરમ દરમ્યાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તાજીયા, મજલિસો, જુલૂસ તથા અન્ય ધામિર્ક કાર્યક્રમો યોજાતા હોય છે. આ કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, સ્વચ્છતા, પીવાના પાણી, સ્ટ્રીટ લાઇટ, આરોગ્ય સેવાઓ, ફાયર બ્રિગેડ, વીજ પુરવઠો તેમજ અન્ય જરૂરી સુવિધાઓનું યોગ્ય આયોજન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ આયોજન જરૂરી છે.
આથી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, વીજ કંપની, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ સહિતના સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ તેમજ મહોરમ સમિતિઓના આગેવાનો અને જવાબદાર વ્યક્તિઓની સંયુક્ત બેઠક તાકીદે બોલાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
વધુમાં સમિતિએ તાજીયા સ્થાપન, નવા તાજીયાઓ માટે પરવાનગી, જુલૂસના રૂટ, જાહેર માર્ગોના ઉપયોગ, સુરક્ષા વ્યવસ્થા તેમજ અન્ય વહીવટી મંજૂરીઓ અને પરમીટ પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવામાં આવે જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય તેવી રજૂઆત પણ કરી હતી.
મહોરમ એકતા સમિતિએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોરમના કાર્યક્રમો શાંતિ, ભાઈચારા અને ધામિર્ક આસ્થાના માહોલમાં યોજાય તે માટે સમાજના આગેવાનો સંપૂર્ણ સહકાર આપશે. વહીવટી તંત્ર અને સમાજ વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે તે જરૂરી છે. તેથી વહેલીતકે બેઠક યોજવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
આ રજૂઆતમાં બટુકભાઈ મકવાણા, મુન્નાબાપુ દાતાર વાળા, જીસાનભાઈ હાલેપૌત્રા, સોહિલ સિદીકી, હાજીભાઈ ઠેબા, મહંમદભાઈ સીડા, ઈબ્રાહિમભાઈ શમા, વહાબભાઈ કુરેશી, અયુબખાન દરબાર, રેહાનખાન બાબી, મયુરભાઈ પઠાણ, સરવણ મકરાણી, મહેબૂબભાઈ પંજા, અશ્વિનભાઈ મણીયાર, બાબુભાઈ જાદુગર, મજીદ પઠાણ સહિત મહોરમ એકતા સમિતિના આગેવાનો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


