મહાશિવરાત્રી મેળાનો આજે ત્રીજાે દિવસ: શ્રધ્ધાળુઓ ઉમટી પડયા

ભવનાથ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવતા ભાવિકો : ભજન, ભોજન, ભક્તિના ત્રિવેણી સંગમ સમા મેળામાં સંતવાણીનાં યોજાયા ભવ્ય કાર્યક્રમો

મહાશિવરાત્રી મેળાનો આજે ત્રીજાે દિવસ: શ્રધ્ધાળુઓ ઉમટી પડયા

જૂનાગઢ તા. ૧૩
શિવરાત્રી મેળાનો આજે ત્રીજાે દિવસ છે. ત્યારે લાખો ભાવિકો અલૌકિક અને દિવ્ય મેળાના દર્શને તેમજ મેળો માણવા પહોંચી ગયા છે. ભવનાથ તળેટી વિસ્તાર ધર્મમય નગરી બની ગયું છે અને સંતોના સાંનિધ્યમાં સંતવાણીના કાર્યક્રમો પણ ઠેર-ઠેર યોજવામાં આવી રહયા છે.
અલખ નિરંજન, અલખ નિરંજનનાં પડઘા સર્વત્ર ગુંજી રહયા છે. ભવનાથ વિસ્તાર એટલે યાત્રધામનંુ મોટું મથક જયાં તળેટીમાં સ્વયંભુ ભવનાથ મહાદેવ બિરાજે છે ત્યાં ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં દર વર્ષે યોજાતા શિવરાત્રી મેળાનો આ વર્ષે અનોખો અવસર જાેવા મળી રહયો છે. શિવરાત્રી મેળાને મીનીકુંભ સમો આ વર્ષે યોજવામાં આવી રહેલ છે. એટલુંજ નહીં દિવ્ય અને ભવ્ય બની ગયેલ શિવરાત્રીનો મેળો માણવા તેમજ સંતોના દર્શન કરવા અને ભગવાન ભોળાનાથને શીશ નમાવવા માટે  ભાવિકોનો પ્રવાહ સતત વહેતો રહયો છે. 
૧૧ ફેબ્રુઆરીનાં પ્રથમ દિવસ એટલે કે શિવરાત્રી મેળાનાં પ્રારંભથી જ ભાવિકોનો ઉત્સાહ જાેવા મળ્યો હતો. શિવરાત્રીના મેળામાં બે દિવસમાંજ હજારો શ્રધ્ધાળુઓએ ભવનાથ તળેટીની મુલાકાત લીધી હતી તેમજ ભવનાથ મહાદેવનાં દર્શન કરી ભાવવિભોર બન્યા છે.  શિવરાત્રીનાં મેળાનો આજે ત્રીજાે દિવસ છે ત્યારે શિવરાત્રી મેળા માટે આવનારા શ્રધ્ધાળુઓ, ભાવિકોની સંખ્યામાં વિક્રમજનક વધારો થઈ રહયો છે. ભવનાથ વિસ્તારમાં આવેલા ધર્મસ્થાનો, આશ્રમો અને ધાર્મિક જગ્યામાં ભાવિકો ઉમટી પડયા છે. અહીં આવનારા ભાવિકોને  પ્રેમથી ભોજન પ્રસાદ લેવડાવવામાં આવે છે.અન્નક્ષેત્રમાં સેવાભાવી સંસ્થાઓ સતત સેવા કરી રહયા છે. શિવરાત્રી મેળા દરમ્યાન રાત્રીના સંતવાણીના કાર્યક્રમો યોજાઈ રહયા છે. જાણીતા કલાકારોના કંઠે રજુ થતા ભગવાન શિવજીનાં ભજનોથી વાતાવરણ શિવમય બની ગયું છે.  શિવરાત્રી મેળાનાં અંતિમ દિવસે એટલે કે શિવરાત્રીના દિવસે ભવ્ય રવાડી સરઘસનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે તેવી ધારણા છે. શિવરાત્રીના મેળામાં આ વર્ષે ૧પ લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે તેમ મનાઈ  છે. શિવરાત્રીના ત્રીજા દિવસે આજે ભવનાથમાં ભાવિકોનો મહાસાગર છલકાયો હોય તેવું લાગી રહયું છે.