રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈથા’નો રેકોર્ડ, ‘જી જી રે જી’ ગીતની લાવણી રજૂઆત એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાઈ

સેંકડો મહિલાઓએ એકસાથે ગીતના હૂક સ્ટેપ પર લાવણી નૃત્ય કર્યું; શ્રદ્ધા કપૂરે પણ નવવારી સાડીમાં મંચ પર રજૂ કર્યું ખાસ પરફોર્મન્સ

રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈથા’નો રેકોર્ડ, ‘જી જી રે જી’ ગીતની લાવણી રજૂઆત એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાઈ

મુંબઈ તા.26
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈથા’ રિલીઝ થાય તે પહેલાં જ એક અનોખી સિદ્ધિને કારણે ચર્ચામાં આવી છે. ફિલ્મના પ્રથમ ગીત ‘જી જી રે જી’ના હૂક સ્ટેપ પર સેંકડો મહિલાઓએ એકસાથે લાવણી નૃત્ય રજૂ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વિશેષ રજૂઆતને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે, જેના કારણે ફિલ્મની ટીમની ખુશીમાં વધારો થયો છે.
ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. અંદાજે એક મિનિટ સુધી ચાલેલી આ સામૂહિક નૃત્ય રજૂઆતમાં મહિલાઓએ પરંપરાગત લાવણી શૈલીમાં ગીતના હૂક સ્ટેપ રજૂ કર્યા હતા. મહિલાઓના એકસાથે કરેલા તાલમેલભર્યા પરફોર્મન્સે કાર્યક્રમમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું.
આ પ્રસંગે શ્રદ્ધા કપૂર પણ મહારાષ્ટ્રીયન પરંપરાગત અંદાજમાં જોવા મળી હતી. તેણે ઘેરા લીલા રંગની નવ ગજની નવવારી સાડી સાથે પરંપરાગત ઘરેણાં અને કોલ્હાપુરી ચંપલ પહેર્યાં હતાં. અભિનેત્રીએ કાર્યક્રમમાં હાજર મહિલાઓ સાથે તસવીરો પડાવી હતી અને મંચ પર પોતાના ગીતનું હૂક સ્ટેપ રજૂ કરીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.
આ અનોખી સિદ્ધિ બદલ એશિયા બુક ઓફ રેકોર્ડ્સના અધિકારીઓ દ્વારા શ્રદ્ધા કપૂર, ફિલ્મના દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર અને ફિલ્મની ટીમને પ્રમાણપત્રો તથા સુવર્ણ ચંદ્રકો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
‘જી જી રે જી’ ગીત માટે શ્રદ્ધા કપૂરે કરેલી મહેનત પણ ખાસ ચર્ચામાં છે. દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરના જણાવ્યા અનુસાર, ગીતના રિહર્સલ દરમિયાન અભિનેત્રીએ ભારે વજનનાં ઘૂંઘરુ પહેરીને સતત અભ્યાસ કર્યો હતો. અહેવાલો મુજબ, શ્રદ્ધાએ દરેક પગમાં ચાર કિલોગ્રામ વજનનાં ઘૂંઘરુ બાંધ્યાં હતાં. લાંબા સમય સુધી રિહર્સલ કરવાને કારણે તેના પગમાં સોજો આવી ગયો હતો અને સ્નાયુમાં ઈજા પણ થઈ હતી. આ મુશ્કેલીને કારણે તેને લગભગ એક મહિના સુધી આરામ કરવો પડ્યો હતો. ગીતની કોરિયોગ્રાફી જાણીતી કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે કરી છે.
લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બની રહેલી ‘ઈથા’ મહારાષ્ટ્રની જાણીતી લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરના જીવનથી પ્રેરિત છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર વિઠાબાઈની ભૂમિકા ભજવતી જોવા મળશે. તેની સાથે રણદીપ હુડ્ડા, સિદ્ધાર્થ જાધવ અને ઝીશાન અય્યુબ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ફિલ્મનું પ્રથમ ગીત ‘જી જી રે જી’ 17 નવેમ્બરે રિલીઝ થયું હતું અને તેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે ફિલ્મ રિલીઝ પહેલાં જ મળેલી આ સિદ્ધિને કારણે દર્શકોમાં તેની ઉત્સુકતા વધી છે.