વડાપ્રધાન મોદી આગામી ડીસેમ્બરમાં અમેરીકાના સત્તાવાર પ્રવાસે જઈ શકે છે
(એજન્સી) નવી દિલ્હી તા.૨૩:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિસેમ્બરમાં અમેરિકા જવાની ચર્ચા તેજ બની છે. જો PM મોદી અમેરિકા જાય છે તો તેઓ ફલોરિડામાં યોજાનારી G20 સમિટમાં સામેલ થશે. ૨૦૨૬ની G20 લીડર્સ સમિટ ૧૪ અને ૧૫ ડિસેમ્બરે ફલોરિડાના ટ્રમ્પ નેશનલ ડોરલ મિયામીમાં યોજાવાની છે. તેની યજમાની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે.
અમેરિકી રાજદૂત સગિર્યો ગોર પણ કહી ચૂક્યા છે કે PM મોદી ડિસેમ્બરમાં G20 માટે અમેરિકા આવશે. જોકે, ભારતના વિદેશ મંત્રાલયે હજુ PM મોદીની મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી નથી.
મીડિયા રિપોટ્ર્સ મુજબ, જો PM મોદી ફલોરિડા જાય છે તો ટ્રમ્પ સાથે તેમની દ્વિપક્ષીય બેઠક પણ થઈ શકે છે. G20 દરમિયાન ક્વાડ સમિટ યોજવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત અહેવાલ મુજબ, અમેરિકા બાદ PM મોદી કેનેડાની દ્વિપક્ષીય મુલાકાત પણ કરી શકે છે. આ મુલાકાતોને લઈને અંતિમ કાર્યક્રમ ભારત સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.


