વડાલ આરોગ્ય કેન્દ્રની ટીમે અંતરિયાળ વિસ્તારોમાં પહોંચીને બાળકોને પીવડાવ્યા પોલિયોના ટીપાં
વાડી-ખેતરો, ઈંટોના ભઠ્ઠા અને શ્રમિક વસાહતોમાં હાથ ધરાયું રસીકરણ; પાંચ વર્ષ સુધીનું એકપણ બાળક વંચિત ન રહે તે માટે વિશેષ પ્રયાસ
જૂનાગઢ તા.23
જૂનાગઢ જિલ્લાના વડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા આયુષ્માન આરોગ્ય મંદિરો અને સબ સેન્ટર વિસ્તારનાં ગામોમાં આરોગ્ય વિભાગની ટીમોએ ઘરે-ઘરે પહોંચીને પાંચ વર્ષ સુધીનાં બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા હતા.
આ અભિયાનને ગામડાં પૂરતું મર્યાદિત રાખવાને બદલે આરોગ્ય કર્મચારીઓએ વાડી-ખેતરો, કારખાનાઓ, ઈંટોના ભઠ્ઠાઓ, ઝૂંપડપટ્ટીઓ અને અંતરિયાળ વિસ્તારોમાં પણ રસીકરણની કામગીરી કરી હતી. ખાસ કરીને સ્થળાંતરિત શ્રમિક પરિવારો અને ખેતમજૂરોના બાળકો સુધી પહોંચીને તેમને પોલિયાથી સુરક્ષિત કરવા માટે વિશેષ કાળજી લેવામાં આવી હતી.
નિર્ધારિત રસીકરણ બુથ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમોએ હોમ ટુ હોમ મુલાકાતો પણ કરી હતી, જેથી કોઈ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય. દરેક વિસ્તારના તમામ પાત્ર બાળકોને પોલિયાના ટીપાં મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે વડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી. આ પ્રયાસ દ્વારા પોલિયો નાબૂદી અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આરોગ્ય વિભાગે યોગદાન આપ્યું હતું.


