અચાનક આવી પડેલી વિપદા વચ્ચે પણ સફળતાનો માર્ગ કંડારતી વેરાવળની દીકરી

અભ્યાસ સાથે જીવનનું ઘડતર કરવાની પ્રેરણાદાયી કહાની, વેરાવળની રક્ષા પરમાર મુસીબતના સમયમાં ઘરની ‘રક્ષા’ બની

અચાનક આવી પડેલી વિપદા વચ્ચે પણ સફળતાનો માર્ગ કંડારતી વેરાવળની દીકરી

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.૬
સામાન્ય રીતે આપણે સામાન્ય મુસીબત કે વિપદા આવે તો પણ નાસીપાસ થઈ જઈએ છીએ. પરંતુ જો ઘરનો ટેકો અથવા મુખ્ય ચાલકબળ જ દૂર થઈ જાય તો તેનાથી તેના પરિવારજનો પર પડતી મુશ્કેલીને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. આવી જ એક કહાનીમાં ઘરના મોભી અને આર્થિક ચાલકબળ એવા પિતાનું અચાનક હાર્ટએટેકથી અવસાન થતાં ઘર પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો પરંતુ આ ઘરની દીકરીએ આ મુસીબતમાં પોતાની ધીરજ અને અડગ મનોબળથી ઘરનો મજબૂત ટેકો બનીને ઘરને મજબૂત સ્થિરતા આપી છે. વાત છે વેરાવળની કોળીવાડા વિસ્તારમાં રહેતી રક્ષા પરમારની કે, જે અચાનક જ તેના પિતાનું અવસાન થતાં તેમની જગ્યાએ સીવણકામ કરીને ઘરની આધાર,રક્ષા અને સુરક્ષા બની છે. અભ્યાસ સાથે-સાથે તે ટેભે-ટેભે જીવનનું ઘડતર પણ કરી રહી છે. અત્યારે રાજ્યભરમાં નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં પણ આજે નારી નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રક્ષા પરમારે વાસ્તવિક રીતે ન માત્ર ઘરનું નેતૃત્વ કર્યું છે, પરંતુ સમાજ માટે પણ એક પ્રેરણાદાયી મિશાલ ઉભી કરી છે. વેરાવળના રક્ષાબહેન પરમાર, કે જેઓ ફાઈન આર્ટ્સમાં અભ્યાસ કરે છે તેઓએ તેમના પિતા ચંદુભાઈ પરમાર જે કેબીનમાં બેસી સીવણકામ કરી ઘરનું આર્થિક ગુજરાન ચલાવતા હતાં. ત્યાં બેસીને અડધો દિવસ સીવણકામ અને બપોર બાદ અભ્યાસ કરીને ઘર સાથે પોતાની કારકિર્દીને પણ આગળ ધપાવી રહ્યાં છે. આ અંગે રક્ષાબહેન પરમારે જણાવ્યું હતું કે, તેમના પિતા ચંદુભાઈ કોળીવાડા વિસ્તારમાં રોડ પર સામાન્ય કેબિનમાં સીવણકામ કરતાં હતાં પરંતુ થોડા સમય પહેલા અચાનક હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યું થયું હતું. આ સમયે ઘર પર અચાનક જ આર્થિક મુસીબત આવી પડી હતી.
આ સમયે તેના પપ્પા પાસેથી શીખેલી સીવવાની કલા તેમને કામમાં આવી અને તેઓએ બજાર વચ્ચે પુરૂષ આધિપત્યવાળા વ્યવસાયમાં એક સ્ત્રી તરીકે કામ કરવાનું શરુ કર્યું હતું. ધીમે-ધીમે લોકો પણ તેમનામાં વિશ્વાસ મૂકીને નાનું-મોટું સીવણનું કામ આપવા લાગ્યાં છે. સામાન્ય રીતે આપણને એવું લાગે કે, આ બહુ સરળ કામ છે પરંતુ પંખા અને લાઈટ વગરની રોડ સાઈડની પઠપ ફૂટની પતરાંની કેબિનમાં એક દીકરી તરીકે બજારમાં બેસીને વ્યવસાય કરવો એ હર કોઈ માટેનું કામ નથી. આ માટે ઘણીબધી હિંમત અને સામર્થ્ય જોઈએ. તેમાં પણ જો તમે અભ્યાસ પણ સાથે કરતા હોય ત્યારે, આ પ્રયત્ન બહુ અગત્યનો બની જાય છે. રક્ષાબહેન આર્ત્મનિભર બની આર્થિક મોરચે પરિવાર વધુ સશક્ત બને તે દિશામાં ડગ માંડી રહ્યાં છે અને અન્ય મહિલાઓને પણ આર્ત્મનિભર બનવા પ્રેરિત કરી રહ્યાં છે.
રક્ષાબહેન ફાઈનઆર્ટ્સના વિદ્યાર્થી સાથે ચિત્રકામમાં પણ હથોટી ધરાવે છે. ઘર માટે સમય સાથે શક્તિનું યોગદાન આપવા સાથે તેમણે સમાજમાં મહિલા સશક્તિકરણનું એક આગવું ઉદાહરણ રજૂ કર્યું છે. આ અંગે તેમના મમ્મી ભાવનાબહેન પરમારે જણાવ્યું હતું કે, રક્ષા ખૂબ નાની છે પરંતુ તેની સમજ ખૂબ મોટી છે. મોજ-મજા કરવાની ઉંમરે તે ઘર માટે કામ કરીને ઘરને આર્થિક રીતે સશક્ત રાખવાનું કામ કરી રહી છે. રક્ષાબહેનના કામ અંગે ગ્રાહક કિશોરભાઈ વાયલુએ જણાવ્યું હતું કે, સ્વ.ચંદુભાઈ પરમાર તેમના સિલાઈકામ માટે નામના ધરાવતા હતાં. તેમના વારસા પર બેસીને રક્ષાબહેન બહુ મોટું કામ કરી રહ્યાં છે. અમે પણ તેમના કામને બીરદાવીને અમારા નાના-મોટા સિલાઈકામ માટે તેમની પાસે જ આવીશું અને તેમના આ જોમ અને જુસ્સાને બળ પૂરૂ પાડીશું. આમ, રક્ષાબહેનની નાની એવી પરંતુ પ્રારબ્ધ સામે પરિશ્રમથી લડવાની પ્રેરણાદાયી કહાની છે. આ કહાનીથી જો સમાજમાં ક્યાંક પણ નાનો એવો પ્રકાશ ફેલાશે તો મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી સાર્થક સાબિત થશે.