શહેરમાં ભેળસેળવાળા ખાદ્ય પદાર્થોનું બેરોકટોક વેચાણ થઈ રહયું હોવાની વ્યાપક ફરીયાદો
જૂનાગઢમાં માત્ર એક દિવસ ચેકીંગની કામગીરી બાદ ફુડ વિભાગ આરામમાં!
જૂનાગઢ તા. ૧૯
તાજેતરમાં સરકાર દ્વારા એનાલોગ પનીર-બટર વેચાણ ઉપર પ્રતિબંધ મુકવાના આદેશને પગલે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરનાં વિવિધ શહેરોમાં ફુડ વિભાગની ટીમો દ્વારા ચેકીંગની કામગીરી કરી અને અખાદ્ય પદાર્થોનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરની વાત કરીએ તો ફુડ વિભાગની ટીમો દ્વારા ચેકીંગ કરી અને ભેળસેળયુકત એનાલોગ પનીર અને ચીઝ ઝડપી લીધું હતું. બીજી તરફ અન્ય ખાદ્ય પદાર્થોમાં પણ મોટાપાયે ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે.
પરંતુ તંત્ર દ્વારા કાયમી ચકાસણી થતી નથી જેના કારણે લોકોનાં આરોગ્ય માટે જાેખમ ઉભું થયેલું છે. પરંતુ ફુડ વિભાગે એક દિવસ કામગીરી કરી અને સંતોષ માની લીધો હોય અને આરામમાં ફુડ વિભાગ રહયું હોવાનો ઘાટ સર્જાયો છે. તહેવારોની શરૂ થયેલી સિઝનમાં બજારોમાં વેચાતા ભેળસેળવાળા પદાર્થોનાં વેચાણ સામે લગામની જરૂર છે ત્યારે ફુડ વિભાગ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવે તેવી અપેક્ષા લોકો રાખે છે.
જૂનાગઢ શહેરમાં દુધ, દુધની બનાવટો, ઘી, મીઠાઈ સહીતનું પુષ્કળ વેચાણ થઈ રહયું છે. માત્ર દુધ અને મીઠાઈ નહીં પરંતુ ફરસાણમાં પણ દરરોજ નીતનવા પેકીંગમાં વિવિધ ચીજાેનું વેચાણ થઈ રહયું છે. નિયમ મુજબ પેકીંગમાં એફએસએસઆઈ નંબર, મટીરીયલ્સ તથા વજન અને તારીખ દર્શાવવી ફરજીયાત છે.
પરંતુ શહેરનાં અનેક વિસ્તારોમાં નિયમોને નેેવે મુકી અખાદ્ય પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહયું છે. છતા તંત્ર દ્વારા માત્ર એક દિવસ તપાસ કામગીરી કર્યા બાદ અન્યત્ર કોઈ ચકાસણી કરવામાં આવી નથી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં પ્રોવિઝન સ્ટોર, ડેરી ફાર્મ, મીઠાઈ તથા હોલસેલ દુકાનોમાં પનીર અને ચીઝનું બેફામ વેચાણ થઈ રહયું છે. પનીર કે ચીઝ કયા પ્રકારનું ઉપયોગમાં લેવામાં આવે છે તે અંગેના બોર્ડ જૂનાગઢમાં મોટાભાગનાં લારીઓ, હોટલ, રેસ્ટોરન્ટમાં જાેવા મળતા નથી. ખાદ્ય પદાર્થોમાં ચટણીમાં કલર, પાવડર, તળેલી ચીજાેમાં વાસી તેલ, ગ્રેવી, મસાલા, એસન્સ તથા વાસી પદાથો વેચાઈ રહયા છે. તહવારો દરમ્યાન દુધની બનાવટો અને મીઠાઈનું પણ ભારે વેચાણ થતું હોય છે. શ્રાવણ માસમાં બજારોમાં ફરાળી વાનગીઓનું પણ પુષ્કળ વેચાણ થશે. તહેવારોનાં આ સમયગાળામાં લોકોના આરોગ્યને નુકશાન પહોંચાડનારા અખાદ્ય પદાર્થોનાં વેચાણ સામે કડક કાર્યવાહીની અતિ આવશ્યકતા છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, જૂનાગઢમાં ફુડ વિભાગ પાસે નમુના ચકાસણી માટે વાહન જ નથી. વાર તહેવારે ગણ્યા ગાંઠયા ખાદ્ય ચીજાેનાં નમુના લેવામાં આવે છે. પરંતુ લેબોરેટરીનાં અભાવે સમયસર રીપોર્ટ જાહેર થતા નથી. વધુમાં ખાદ્યચીજાેના વેચાણ માટે વેપારીએ લાયસન્સ મેળવવું ફરજીયાત છે. પરંતુ જૂનાગઢ શહેર-જિલ્લામાં અનેક વિસ્તારોમાં નિયમને નેવે મુકી અખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહયં છે. ત્યારે જૂનાગઢનું ફુડ વિભાગ ચેકીંગની સઘન કામગીરી કરે અને ભેળસેળ વાળા અખાદ્ય પદાર્થોનું વેચાણ થતું અટકાવે અને ભેળસેળ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.


