‘શું આ તારા બાપનો રોડ છે ?’ વડાલ નજીક ગત રાત્રે ગાંધીનગર-સોમનાથ એસટી બસનાં ડ્રાઈવર પર 3 શખ્સોનો હુમલો

‘શું આ તારા બાપનો રોડ છે ?’ વડાલ નજીક ગત રાત્રે ગાંધીનગર-સોમનાથ એસટી બસનાં ડ્રાઈવર પર 3 શખ્સોનો હુમલો

જૂનાગઢ તા.7
જૂનાગઢ નજીક વડાલ ગામ પાસે ગત મોડી રાત્રીના બનેલા બનાવમાં ગાંધીનગર-સોમનાથ રૂટની એસટી બસના ડ્રાઈવર પર ત્રણ અજાણ્યા શખ્સોએ હિંસક હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ઇજાગ્રસ્ત એસટી ડ્રાઈવર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગણી ઉઠવા છે.
આ બનાવ અંગે  એસટી બસનાં ઇજાગ્રસ્ત ડ્રાઈવર નિતેશભાઈ ખીમજીભાઈ વાઢિયાએ જણાવ્યું હતું કે, "હું વેરાવળ ડેપોમાં એસટી્ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું અને છેલ્લા બે વર્ષથી સોમનાથ-ગાંધીનગર રૂટની બસ ચલાવું છું. દરમ્યાન ગત રાત્રે હું ગાંધીનગરથી સાંજે 6:00 વાગ્યે બસ લઈને નીકળ્યો હતો. રાત્રિના આશરે 2:10 કલાકે હું વડાલ ગામ પાસે પહોંચ્યો હતો. હું સર્વિસ રોડ પર મારા નિયમિત રૂટ પર જઈ રહ્યો હતો, ત્યાં જ સામેથી એક કાળા રંગની ફોર-વ્હીલર આવી અને તેણે મારી એસટી બસની બિલકુલ સામે પોતાની ગાડી ઉભી રાખી દીધી હતી. નિલેશભાઈ વાઢીયાએ જણાવ્યું હતું કે કારમાં આવેલા શખ્સોએ મને બસની નીચે ઉતારી અને ગેરશબ્દો બોલી ગાળો આપવા માંડ્યા હતા. તેમજ મને ધમકાવતા કહેતા હતા કે 'શું આ તારા બાપનો રોડ છે?' ગાડીમાં ત્રણ જણા હતા અને તે ત્રણેય જણાએ નીચે ઉતરીને મારી સાથે મારકૂટ કરવાનું શરૂ કર્યું હતું. આ હુમલા દરમ્યાન, તેમાંથી એક વ્યક્તિ પાસે પાઇપ હતી તેણે મને માર માર્યો હતો. બીજા એક વ્યક્તિએ મારા હાથ પર બટકુ ભર્યું હતું. ત્રીજા વ્યક્તિએ મને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું હતું કે, જાે તું પોલીસ ફરિયાદ કરીશ, તો અંદર પડેલી ફટાકડી (બંદૂક) થી અમે તને પતાવી દઈશું. મારો કંડક્ટર જ્યારે મને છોડાવવા વચ્ચે આવ્યો, ત્યારે તેઓ તેની પાછળ પણ દોડ્યા હતા અને તેને ત્યાંથી ભગાડી મૂક્યો હતો તેમ જણાવી વધુમાં નિતેશભાઈ વાઢીયાએ જણાવ્યું હતું "મારા કંડક્ટરે 112" નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસની ગાડી ઘટનાસ્થળે આવી પહોંચી અને કાર્યવાહી શરૂ કરી હતી. તે દરમ્યાન હુમલો કરનાર વ્યક્તિઓએ પોતાનો મોબાઈલ કાઢીને જમાદારને આપ્યો અને વાત કરાવી હતી. 112ના જમાદારે ફોન પર વાત કરી અને ત્યારબાદ અંદાજે 20 મિનિટ સુધી પોલીસની ગાડી ત્યાં જ ઉભી રહી હતી. થોડીવાર પછી સામેથી બીજી એક કાર આવી, જેમાંથી ઉતરેલા માણસે પોતાને જમાદાર તરીકે ઓળખાવ્યો હતો. તેણે કહ્યું કે, આમાં કંઈ લાંબુ કરવાનું ન હોય, તમે તમારી રીતે પતાવી લો. અમે પોલીસવાળા બધા સાથે મળીને જ રખડીએ છીએ અને હું પોતે જમાદાર છું, એટલે આમાં કંઈ કાર્યવાહી થવા નહીં દઈએ તેમ જણાવ્યું હતું. આ તકે નિતેશભાઈએ જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગણી કરી હતી. એસટી કર્મચારીને માર મારવાની ઘટનાની જાણ થતાં જ એસટી કર્મચારીઓમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. અને કાયદેસરની કાર્યવાહી કરી જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગ ઉઠવા પામી છે.