સક્કરબાગ ઝૂમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી અંતર્ગત ડોક્યુમેન્ટરી, રીલ અને ફોટોગ્રાફી સ્પર્ધાઓ યોજાઈ

સક્કરબાગ ઝૂમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી અંતર્ગત ડોક્યુમેન્ટરી, રીલ અને ફોટોગ્રાફી સ્પર્ધાઓ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧ર
જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્ક ખાતે ૭૨મા વન્યજીવન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તા. ૨થી ૮ ઑક્ટોબર દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ૪ ઓક્ટોબરના રોજ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ, રીલ મેકિંગ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં પ્રતિભાગીઓએ પોતાની સર્જનાત્મકતા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ સ્પર્ધામાં અલ્ફેઝ ભટ્ટીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે જતીન વાલવાણી દ્વિતીય અને વિશાલ ગોરડ તૃતીય ક્રમે રહ્યા હતા. વન્યજીવન સપ્તાહના સમાપન સમારોહ દરમિયાન વિજેતા ડોક્યુમેન્ટરી ફિલ્મોનું પ્રોજેક્ટર દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત લોકોએ ફિલ્મો નિહાળી હતી. સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારી અલ્ફેઝ ભટ્ટીની ડોક્યુમેન્ટરી ફિલ્મની વિશેષતા એ હતી કે તેનું સમગ્ર નિર્માણ માત્ર એન્ડ્રોઇડ મોબાઇલ ફોન દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મનો કોન્સેપ્ટ, દિગ્દર્શન, સિનેમેટોગ્રાફી, વોઇસ ઓવર અને એડિટિંગ સહિતની તમામ જવાબદારીઓ અલ્ફેઝ ભટ્ટીએ સ્વયં સંભાળી હતી. પાંચ મિનિટની આ ડોક્યુમેન્ટરીમાં સક્કરબાગ ઝૂના ઐતિહાસિક વારસાથી લઈને વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં ઝૂ દ્વારા કરવામાં આવતા કાર્ય અને તેના યોગદાનને આવરી લેવામાં આવ્યું છે. મોબાઇલ ફોન જેવા સરળ માધ્યમનો ઉપયોગ કરીને વન્યજીવ સંરક્ષણના મહત્ત્વપૂર્ણ વિષયને દૃશ્યાત્મક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો. રીલ મેકિંગ સ્પર્ધામાં કિશન ઉપાધ્યાયે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, 
જ્યારે યશ લીંબડિયા દ્વિતીય અને આકાશ ઓડેદરા તૃતીય ક્રમે રહ્યા હતા. તેવી જ રીતે, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી સ્પર્ધામાં રોનક ઓડેદરાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જયંત ચૌહાણ દ્વિતીય અને કિશન ઉપાધ્યાય તૃતીય ક્રમે રહ્યા હતા. સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્ક દ્વારા ૨થી ૮ ઓક્ટોબર દરમિયાન વન્યજીવન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સક્કરબાગ ઝૂનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્કના વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓની ઉજવણીના વીડિયો તેમજ સ્પર્ધામાં વિજેતા થયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મો સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્કની અધિકૃત યુટ્યુબ ચેનલ SBZP પર નિહાળી શકાય છે. વન્યજીવન સપ્તાહ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધાઓ દ્વારા વન્યજીવ, પ્રકૃતિ અને સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે સર્જનાત્મક માધ્યમો દ્વારા વન્યજીવનના મહત્ત્વને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.