થેલેસેમિયા મુક્ત ભવિષ્ય તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું મક્કમ પગલું : બોનમેરો ટ્રાન્સપ્લાન્ટથી થશે સંપૂર્ણ સામાન્ય જીવન
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧ર
જૂનાગઢમાં થેલેસેમિયા પીડિત બાળકોને કાયમી મુક્તિ અપાવવા માટે GMERS જનરલ હોસ્પિટલ અને સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અવેરનેસ કેમ્પ’ યોજાયો હતો. આ કેમ્પમાં ગત જુલાઈ માસમાં કરવામાં આવેલા HLA ટેસ્ટના રિપોર્ટનું પરિવારોને વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સંપૂર્ણ રીતે નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. અમદાવાદના જાણીતા પીડિયાટ્રિક હેમેટોલોજિસ્ટ ડો. વૈભવ શાહે પરિવારોને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની આધુનિક પ્રક્રિયા સમજાવી હતી અને નિયમિત બ્લડ ટ્રાન્સફયુઝન તેમજ આયર્ન ચિલેશન થેરાપીનું મહત્વ સમજાવ્યું હતું. હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ અને આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ભાવિન પઢારિયાએ પરિવારોને સરકારી આર્થિક-તબીબી સહાય યોજનાઓની માહિતી આપી, વધુમાં વધુ રક્તદાન કરવા અને જાગૃતિ લાવવા અપીલ કરી હતી. અભિયાન અંતર્ગત કુલ ૧૯ પરિવારોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૬ પરિવારો કેમ્પમાં હાજર રહ્યા હતા. સૌથી ખુશીની વાત એ છે કે ૬ માસૂમ બાળકોના HLA રિપોર્ટ ૧૦૦% મેચ થયા છે, જે તેમના નિરોગી આયુષ્ય માટે આશાનું નવું કિરણ લઈને આવ્યું છે. આ સંવેદનશીલ પ્રયાસ જૂનાગઢમાં થેલેસેમિયા સામેની જંગમાં એક સંજીવની સમાન પગલું સાબિત થશે.


