સંજય લીલા ભણશાળીની ઓફિસે પહોંચી કરીના કપૂર, ૨૫ વર્ષ જૂના મતભેદો દૂર થયાની ચર્ચા
‘દેવદાસ’ના સમયથી બંને વચ્ચે અણબનાવ હોવાના અહેવાલ; ધનુષ સાથેની ભણશાળીની આગામી ફિલ્મમાં કરીનાની એન્ટ્રીની અટકળો તેજ
મુંબઈ, તા.૧૦
અભિનેત્રી કરીના કપૂર ખાન અને ફિલ્મમેકર સંજય લીલા ભણશાળી વચ્ચે વર્ષોથી ચાલતા મતભેદો હવે દૂર થઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મંગળવારે કરીના કપૂર સંજય લીલા ભણશાળીના નિવાસસ્થાને આવેલી તેમની ઓફિસે પહોંચતી જોવા મળી હતી. આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ બંને ભવિષ્યમાં કોઈ પ્રોજેક્ટ માટે સાથે કામ કરી શકે તેવી અટકળો શરૂ થઈ છે.
સામાન્ય રીતે પાપારાઝી સામે રોકાઈને પોઝ આપતી કરીના આ વખતે તસવીરકારો માટે રોકાયા વગર જ ત્યાંથી રવાના થઈ હતી. તેની આ મુલાકાત પાછળનું સત્તાવાર કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે અહેવાલોમાં એવી ચર્ચા છે કે સંજય લીલા ભણશાળી અને અભિનેતા ધનુષ સાથે જોડાયેલા આગામી પ્રોજેક્ટ માટે કરીનાના નામ પર વિચાર થઈ શકે છે. આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
કરીના અને ભણશાળી વચ્ચેના મતભેદોની ચર્ચા લગભગ ૨૫ વર્ષ જૂની છે. અહેવાલો અનુસાર વર્ષ ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં સંજય લીલા ભણશાળીની ‘દેવદાસ’માં પારોના પાત્ર માટે કરીના કપૂરનું સ્ક્રીન ટેસ્ટ કરવામાં આવ્યું હતું. કરીનાએ અગાઉ દાવો કર્યો હતો કે તેને સાઇનિંગ અમાઉન્ટ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં આ ભૂમિકા ઐશ્વર્યા રાય બચ્ચનને મળી હતી.
આ ઘટનાને લઈને કરીના તે સમયે નારાજ થઈ હતી અને તેણે ભણશાળી સાથે કામ નહીં કરવાની વાત પણ કહી હોવાનું અગાઉના અહેવાલોમાં સામે આવ્યું હતું. જોકે વર્ષો બાદ કરીનાએ એક ટોક શોમાં આપેલા નિવેદનથી બંને વચ્ચેના મતભેદો ઓછા થયા હોવાના સંકેત મળ્યા હતા.
હવે સંજય લીલા ભણશાળીની ઓફિસ ખાતે કરીનાની મુલાકાત બાદ બંને વચ્ચેના સંબંધોના સમીકરણ બદલાયા હોવાની ચર્ચા ફરી શરૂ થઈ છે. જોકે આ મુલાકાત માત્ર વ્યક્તિગત હતી કે કોઈ આગામી ફિલ્મ માટેની ચર્ચાનો ભાગ હતી તે અંગે બંનેમાંથી કોઈએ સત્તાવાર જાહેરાત કરી નથી.


