સોમનાથ- પ્રભાસ -પાટણમાં સૂચિત કોરિડોર અંગે સંપાદિત થયેલ મિલકતોની ડિમોલેશન કાર્યવાહી
(પ્રતિનિધી દ્વારા)
પ્રભાસ પાટણ તા.૪
સોમનાથ- પ્રભાસ -પાટણમાં સોમનાથ મંદિરના વિકાસ અંતર્ગત શરૂ થનાર કોરિડોર અંગે સ્વેચ્છાએ અને પેમેન્ટ ચૂકવણી કરાયા બાદ સંપાદિત થયેલ જમીન -મકાન માલ મિલકતને સોમનાથ મંદિરની આસપાસ સ્થળેથી દૂર કરવા આજથી જેસીબી, ટ્રેક્ટર અને શ્રીમકોના કાફલા સાથે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં વેરાવળ ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદાર વિભાગ તેમજ જિલ્લા પોલીસ વાડાના માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી, પાંચ પીઆઇ તથા ૧૨૦ પોલીસ દળના જવાનો જોડાયા હતા. કોરિડોર સોમનાથ મંદિર વિકાસ અંતર્ગત અંદાજે અઢીસોથી વધુ મિલકત ધારકોએ સત્તાવાળાઓને સ્વૈચ્છિક રીતે અને સત્તાવાળાઓ તરફથી તેની રકમ ચૂકવી આ મિલકતો સંપાદિત થયેલી છે.
આજના ડીમોલેશન ડ્રાઇવમાં સંપાદિત જુના ,જર્જરીત મકાનો અને વસવાટ વગરના મકાનોને પ્રાધાન્ય અપાયું હતું અને બાકીના મકાન કે મિલકત ધારકોને સંપાદિત મકાન ખાલી કરવા સૂચિત કરવામાં આવેલ હતું. આજે સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત વચ્ચે કુંભારવાડા, પઠાણવાળા ,જુના સોમનાથ મંદિર પાસેથી અંદાજે ૧૦ જેટલા મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું અને કોરિડોર પ્રોજેક્ટ હવે ગતિમાન બન્યો છે.


