આયુષ્માન આરોગ્ય યોજના હેઠળ ઇન્શ્યોરન્સ કંપની સાથે કરાર કરાયા
ગાંધીનગર, તા.૧૪
ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ (LOA) ઉપર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે. આ એગ્રીમેન્ટથી રાજ્ય સરકારને વર્ષે અંદાજિત ૧,૧૦૦ કરોડથી વધુનો ફાયદો થશે. આ બચત થયેલા નાણાંનો ઉપયોગ રાજ્ય સરકાર અન્ય જનકલ્યાણકારી યોજનાઓ અને આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવવા માટે કરી શકશે, જે નાગરિકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગરીબ પરિવારોને આરોગ્ય કવર આપતી યોજના છે જેમાં ગુજરાતમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ૧.૦૩ કરોડ પરીવારો લાભ લઇ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજનામાં પરીવાર દીઠ બજાજ ઇન્સ્યોરન્સ કંપનીને રૂા.૩,૭૦૮ પ્રિમીયમ ચુકવવામાં આવે છે. પોલિસી-૯ દરમ્યાન યોજના હેઠળ રૂા.૩૬૫૭.૨૪ કરોડના કુલ ૧૩,૬૦,૯૭૭ દાવા નોંધાયા હતા. આ એગ્રીમેન્ટ થવાથી રાજ્ય સરકાર દ્વારા પરીવાર દીઠ હવેથી રૂા.૨,૬૭૯નું પ્રિમીયમ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આ એગ્રીમેન્ટના કારણે બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આ યોજનામાં દાખલ થનાર નવા ૧.૫૧ લાખ નાગરીકોનું પ્રિમીયમ પણ માફ કરવામાં આવશે. આ એગ્રીમેન્ટ ગુજરાત સરકારના આર્થિક વ્યવસ્થાપન અને નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થશે.


