સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં હાજા ગગડાવતી ઠંડી : નલીયામાં ૬.૪, અમરેલીમાં ૮.૪, ગિરનાર પર્વત ઉપર ૬.પ ડિગ્રી તાપમાન

સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં હાજા ગગડાવતી ઠંડી : નલીયામાં ૬.૪, અમરેલીમાં ૮.૪, ગિરનાર પર્વત ઉપર ૬.પ ડિગ્રી તાપમાન

(બ્યુરો)            રાજકોટ, તા.૧૦
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ બર્ફીલા પવનો અને નીચુ તાપમાનનું આક્રમણ રહેવા પામ્યું હતું. સવારથી જ ઠંડા ઝડપી પવનોથી લોકો ઠુંઠવાયા હતા. ખાસ કરીને આજે દરિયાઇ વિસ્તારો કે જયાં મોટા ભાગે સામાન્ય ઠંડી હોય છે ત્યાં પણ આજે ટાઢોડુ છવાયું હતું. આજે પણ સૌથી વધુ ઠંડી નલિયા ખાતે ૬.૪ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. જયારે ૮.૪ ડિગ્રી સાથે અમરેલી બીજા સ્થાને રહ્યું હતું. તો રાજકોટ શહેરમાં સવારે ૧ર કિ.મી.ની ઝડપે કાતીલ ઠંડો પવન ફુંકાયો હતો અને લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાતા નગરજનોના હાજા ગગડી ગયા હતા. 
જુનાગઢ-જામનગર-ભુજમાં પણ તિવ્ર ઠંડી સાથે પવન યથાવત રહેવા પામ્યો હતો. જુનાગઢ શહેરમાં  લઘુતમ તાપમાન ૧૧.પ ડિગ્રી તથા ગિરનાર પર્વત ઉપર ૬.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. હવામાં ભેજ પર ટકા રહ્યો હતો અને પવનની ગતિ ૬.૮ કિ.મી. રહેવા પામી હતી. સમગ્ર રાજયમાં કાતિલ શીત લહેર ફરી વળતા જનજીવન ઠુઠવાઈ ગયું છે. મોડી સાંજથી જ રસ્તાઓ સુમસામ બની જતાં સ્વૈચ્છિક કર્ફયુ જેવું વાતાવરણ બની જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં તો સાંજ પડતા જ સન્નાટો થઈ જાય છે.