માવઠાનો માર : મહુવામાં ૧૧.પ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

રાજુલામાં ૯.પ ઈંચ, શિહોર-સુત્રાપાડામાં ૬ ઈંચ, જાફરાબાદમાં ૪ ઈંચ ધોધમાર વરસાદ નોંધાયો : કમોસમી વરસાદથી કપાસ-મગફળી-સોયાબીન-અડદ-બાજરીના પાકને ભારે નુકશાન : ખેડુતોના હાલ-બેહાલ

માવઠાનો માર : મહુવામાં ૧૧.પ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

ભાવનગર/રાજકોટ તા. ર૭ :
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાએ વિદાય લીધા બાદ રહી રહીને માવઠુ વરસતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. મગફળી, કપાસ, સોયાબીન, સહિત પાકનો સોથ વળી ગયો છે. આજે સવાર સુધીમાં ભાવનગર જીલ્લાના મહુવામાં દે ધનાધન સાડા ૧૧.પ ઇંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત અમરેલી જીલ્લાના રાજુલામાં ૯.પ ઇંચ, જ્યારે શિહોરમાં ૬ ઇંચ વરસાદ પડયો છે.
જયારે અમરેલી જીલ્લાના જાફરાબાદમાં પાંચ, સાવરકુંડલા-ઉનામાં ૪, ભાવનગર, પાલીતાણા, જેશર, વલ્લભીપુરમાં સાડા ૩ ઇંચ, ગારીયાધાર, તળાજા, ઉમરાળામાં અઢી ઇંચ, વરસાદ પડયો છે.
કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબીન, સહિત શિયાળુ પાકનો સોથ વળી ગયો છે. મગફળીનાં પાથરા પલળી જતા ખેડૂતોને ગંભીર આર્થિક ફટકો પડયો છે.
સમગ્ર ભાવનગર જીલ્લામાં ગત રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. આજે સવારે પણ મુશળધાર વરસાદ પડ્યો છે. જિલ્લાના મહુવામાં ૧૧.૫ ઇંચ, સિહોરમાં ૫.૫ ઈચ, ભાવનગર શહેરમાં ૩.૫ ઇંચ, પાલીતાણામાં ૩.૫ ઇંચ, જેસરમાં ૩.૫ ઇંચ, ગારીયાધારમાં ૨.૫ ઇંચ, તળાજા અને 
ઉમરાળામાં ૨.૫ ઇંચ અને વલભીપુરમાં ૩.૭૫  ઇંચ વરસાદ પડ્યો છે. હજુ પણ જિલ્લામાં ત્રણ દિવસ વરસાદની આગાહી છે. પાછોતરા વરસાદથી જિલ્લામાં કપાસના પાકને નુકસાન ની ભીતી સેવાઈ રહી છે. ભાવનગર જિલ્લામાં હાલમાં કપાસનો પાક ઉભો છે અને ઘણા સ્થળે વધુ મગફળીના પથરાપણ પડ્યા છે તેવા સમયે કમોસમી વરસાદથી ખેડૂતો માં ચિંતા ની લાગણી  ફેલાઈ છે.
અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમરેલી પંથકમાં ભારે વરસાદની પગલે ચોમાસા જેવી કપરી સ્થિતિ જોવા મળી રહી છે. નદીઓ બે કાંઠે વહેવાની સાથે જ ગામમાં પણ નદીની જેમ પાણી વહી રહ્યાં છે. અમરેલી, રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને પગલે સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. તો બીજી તરફ રાજુલાના ધાતરવાડી ડેમ-૨ના પાણી ગામોમાં પ્રવેશતા ધારારાના ગામ સંપર્ક વિહોણું બન્યું છે.