અમેરીકા-ઈરાન વચ્ચે કતારની મધ્યસ્થતા પણ નિષ્ફળ ગઈ
(એજન્સી) વોશિંગ્ટન,તા.૩૦:
અમેરિકા-ઈરાન વચ્ચે ચાલતા તણાવને હળવો કરવા માટે કતાર દ્વારા કરવામાં આવી રહેલી મધ્યસ્થતા ફરી એકવાર નિષ્ફળ નીવડી છે. આ અઠવાડિયે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં બંને દેશો વચ્ચે કોઈ જ નક્કર સહમતિ સાધી શકાઈ નથી. બેઠક સાથે જોડાયેલા સુત્રો અનુસાર, બંને પક્ષો પોતાની જિદ્દ પર અડીખમ રહ્યા છે અને કોઈ પણ એક ડગલું પણ પાછળ હટવા તૈયાર નથી. અમેરિકા અને ઈરાનના વલણથી સ્થિતિ વધુ વણસી રહી છે, જેના કારણે મધ્યપૂર્વમાં ફરી એકવાર ભયાનક યુદ્ધ ફાટી નીકળવાનો ભય મંડરાઈ રહ્યો છે. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મિડ-ટર્મ ચૂંટણીઓ બાદ મોટા પાયે સૈન્ય અભિયાન શરૂ કરવાનો આદેશ આપી શકે છે.
સોમવારે કતારના મુખ્ય મધ્યસ્થ અલી અલ-થવાડીએ ન્યૂયોર્કમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને તેમની ટીમ સાથે કલાકો સુધી મેરાથોન બેઠક યોજી હતી. આ દરમિયાન ઈરાન પરથી યુએસ નેવીની નાકાબંધી હટાવવા અને અમેરિકાની માંગ મુજબ ઈરાનના પરમાણુ કાર્યક્રમોને સીમિત કરવા માટે કરારના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી.


