અમેરીકાના દબાણ સામે ભારત ઝુકશે નહીં, હાર નહીં માને : પુતિનનો અમેરીકાને સ્પષ્ટ સંદેશ

આગામી ડીસેમ્બર માસમાં પુતિન ભારતની મુલાકાતે આવશે

અમેરીકાના દબાણ સામે ભારત ઝુકશે નહીં, હાર નહીં માને : પુતિનનો અમેરીકાને સ્પષ્ટ સંદેશ

(એજન્સી)  સોચી (રશિયા) તા.૦૩
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેલ ખરીદી પર અમેરિકાના દબાણની ટીકા કરી અને કહ્યું કે ભારત હાર માનશે નહીં. સોચીમાં વાલ્ડાઈ પોલિસી ફોરમને સંબોધતા તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી ક્યારેય એવો ર્નિણય નહીં લે જે ભારતની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે. પુતિને કહ્યું કે જો રશિયાના વેપાર ભાગીદારો પર વધુ ટેરિફ લાદવામાં આવશે, તો તેની અસર વિશ્વભરમાં ઊર્જાના ભાવ પર પડશે. કિંમતો વધશે, જેના કારણે યુએસ ફેડરલ રિઝર્વને વ્યાજ દર ઊંચા રાખવાની ફરજ પડશે, જેનાથી યુએસ અર્થતંત્ર ધીમું પડશે.
પુતિને ચેતવણી આપી હતી કે જો ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે તો તેને ૯ થી ૧૦ અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. પુતિને કહ્યું કે ભારત જેવા દેશમાં લોકો તેમના નેતાઓના ર્નિણયો પર નજીકથી નજર રાખે છે અને તેઓ ક્યારેય ઇચ્છશે નહીં કે તેમનો દેશ કોઈની સામે ઝૂકે. પુતિને એમ પણ કહ્યું કે રશિયન તેલ વિના વિશ્વ અર્થતંત્રને નુકસાન થશે અને જો તેનો પુરવઠો બંધ થઈ જશે તો તેલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦  ડોલરથી ઉપર વધી શકે છે.
ભારત સાથેના વેપાર અસંતુલનને સુધારવાની સલાહ આપી પુતિને મોદીને મિત્ર ગણાવ્યા અને કહ્યું કે તેઓ તેમની સાથે વિશ્વાસપૂર્વક વાતચીત કરી શકે છે. રશિયન રાષ્ટ્રપતિએ ડિસેમ્બરની શરૂઆતમાં તેમની આગામી ભારત મુલાકાત અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો. તેમણે તેમની સરકારને ભારતની મોટી ક્રૂડ ઓઇલ ખરીદીને કારણે સર્જાયેલા વેપાર અસંતુલનને દૂર કરવા માટે નક્કર પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો.દરમ્યાનમાં મોસ્કોએ સત્તાવાર જાહેર કર્યું છે કે, આગામી ડિસેમ્બર માસમાં પુતિન ભારતની મુલાકાતે જશે.