આગામી ૪૮ કલાક અતિભારે : ગુજરાત પર વાવાઝોડુ ત્રાટકવાની ચેતવણી : ૬પ કિમીની ઝડપે પવન ફુંકાશે

આગામી ૪ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : પાંચ જીલ્લામાં ઓરેન્જ એલર્ટ 

આગામી ૪૮ કલાક અતિભારે : ગુજરાત પર વાવાઝોડુ ત્રાટકવાની ચેતવણી : ૬પ કિમીની ઝડપે પવન ફુંકાશે

(બ્યુરો)         અમદાવાદ તા.૩૦
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજી ૪ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા બે દિવસમાં સરેરાશ ૪થી ૧૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે વધુ ખરાબ સાબીત થઈ શકે. ધોધમાર વરસાદની સાથે ૫૫થી ૬૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાશે, જેથી માછીમારોને ૫ાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાનું એલર્ટ છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે ૩૦ ઓક્ટોબર અને આવતીકાલે ૩૧ ઓક્ટોબરના આ વિસ્તારોમાં ૪૮ કલાકમાં વધારાનો ૮ ઈંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. કચ્છમાં છૂટા-છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે. પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આજે એટલે કે, ૩૦ ઓક્ટોબર અને આવતીકાલે ૩૧ ઓક્ટોબરના રોજ મધ્યમથી ભારે વરસાદ અને સામાન્ય વાવાઝોડા થવાની શક્યતા છે.