આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળનું વિસ્તરણ, ૧૦ થી ૧ર વર્તમાન મંત્રીઓને પડતા મુકાશે : નવા ૧૪ થી ૧૬ ધારાસભ્યોને મંત્રી બનાવાશે

મહાત્મા મંદીર ખાતે આવતીકાલે સવારે ૧૧.૩૦ કલાકે નવનિયુકત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે. બે નાયબ મુખ્યમંત્રીની ફોમ્ર્યુલા પર થઈ રહેલી વિચારણા : વ્યાપક ફેરબદલ થશે. આજે સાંજે વર્તમાન કેબીનેટનાં તમામ મંત્રીઓ રાજીનામા સુપ્રત કરી દેશે : નવા મંત્રીમંડળની સંખ્યા ર૭ હોઈ શકે છે

આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળનું વિસ્તરણ, ૧૦ થી ૧ર વર્તમાન મંત્રીઓને પડતા મુકાશે : નવા ૧૪ થી ૧૬ ધારાસભ્યોને મંત્રી બનાવાશે
The Indian Express

ગાંધીનગર, તા.૧૬: મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથવિધિ આવતીકાલે  તા.૧૭ ઓક્ટોબરના રોજ સવારે ૧૧.૩૦ કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમંત્રીમંડળના આ વિસ્તરણમાં  સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવશે. નવા મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોણે મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે જેથી કોઈ માહિતી લીક ના થાય. વર્તમાન મંત્રીમંડળમાંથી ૧૦ થી ૧ર મંત્રી પડતા મૂકાવાની શકયતાઓ છે. આથી, તેમના રાજીનામા લેવાશે. બાદમાં ૧૨થી વધુ ધારાસભ્યોને મંત્રી તરીકે ફરજ અને જવાબદારીનો બંધારણિય અધિકાર નિહિત કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શપથ લેવડાવાશે. રાજ્યપાલ હાલમાં હરિયાણામાં છે. આજે બપોર પછી તેઓ ગાંધીનગર આવશે.
ભાજપના ધારાસભ્યોના ગાંધીનગરમાં આગમન વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગુરૂવારે બપોર પછી મુંબઈથી પરત આવશે. બાદમાં તેઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળી શકે છે. બાદમાં પોતાના મંત્રી મંડળમાંથી બરખાસ્ત થતા મંત્રીઓના રાજીનામા તેમજ પદનામિત મંત્રીઓના નામોની સૂચિ સોંપશે. સોમવારે દિલ્હીમાં PM હાઉસમાં મેરેથોન બેઠક બાદ કોને પડતા મુકાશે ? કોને પદ મળશે ? તેને લઈને ભાજપમાં ભારે ચર્ચા ચાલી રહી છે. તેવામાં સળંગ ત્રીજા દિવસે પણ સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓ જાેવા મળ્યા ન હતા. 
હાલમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ૮ કેબિનેટ અને ૮ રાજ્યકક્ષાના મળી ૧૬ મંત્રીઓ છે. બંધારણ મુજબ મંત્રીપરિષદનું કદ મુખ્યમંત્રી સહિત ૨૭નુ રહી શકે છે. વિસ્તરણ પછી ૨૧થી વધુ મંત્રીઓ અને વિધાનસભાના ૬ પદો ઉમેરતા ભાજપના ૧૬૨માંથી પ્રત્યેક છઠ્ઠા કે સાતમા ધારાસભ્યને મંત્રી કે તેને સમકક્ષપદ મળશે.
ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે વર્તમાન મંત્રીમંડળમાંના તમામ મંત્રીઓને રાજીનામું આપવાનું કહેવામાં આવશે. જેમને જાળવી રાખવામાં આવશે તેઓ નવા મંત્રીઓ સાથે ફરીથી શપથ લેશે. પાંચ કે છ સિવાય, મોટાભાગના મંત્રીઓને બદલવાની શકયતા છે, જેમાં સૌરાષ્ટ્ર અને આદિવાસી પ્રદેશોના નવા ચહેરાઓને તક આપવામાં આવે તેવી અપેક્ષા છે.
નવા મંત્રીમંડળમાં તેમના સંભવિત સમાવેશને લઈને ભાજપના ધારાસભ્યોમાં ચિંતાની સ્પષ્ટ લાગણી છે. હાલના મંત્રીઓ પણ તેમના ભવિષ્ય વિશે ચિંતિત છે. ઘણા લોકોએ દિવાળી શુભેચ્છા કાર્ડ છાપી લીધા છે, જે મોકલવામાં આવી રહ્યા છે - જાેકે જ્યારે તેઓ તેમના પ્રાપ્તકર્તાઓ સુધી પહોંચે છે, ત્યારે મોકલનારાઓ હવે પદ સંભાળી શકશે નહીં. 
દરમિયાન, મંત્રીમંડળમાં સ્થાન મેળવવાની આશા રાખતા ઘણા ધારાસભ્યો નવા કપડાં ખરીદવામાં વ્યસ્ત છે, મંત્રાલયમાં તેમના સમાવેશની પુષ્ટિ કરતા તે મહત્વપૂર્ણ ફોન કોલની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.
સૂત્રોએ સંકેત આપ્યો છે કે ભાજપ દલિતો અને આદિવાસીઓ જેવા સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને પ્રતિનિધિત્વ આપવા માટે બે નાયબ મુખ્યમંત્રી રાખવાના ફોર્મ્યુલા પર પણ વિચાર કરી રહ્યો છે.
મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સહિતના નેતાઓની કેન્દ્રીય નેતૃત્વ સાથેની મેરેથોન બેઠક બાદ આ અંગેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. હાલની ૧૭ મંત્રીઓની સંખ્યા ધરાવતી કેબિનેટમાંથી ૧૦ થી ૧ર મંત્રીઓને પડતા મૂકવામાં આવે અને ૧૪ થી ૧૬ નવા ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવાય તેવી પ્રબળ શકયતા છે.