ઉના તાલુકાનાં સિમરમાં પત્નિની હત્યા કરનાર પતિની અટકાયત

ઉના તાલુકાનાં સિમરમાં પત્નિની હત્યા કરનાર પતિની અટકાયત

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.ર
ઉના તાલુકાના સિમર ગામના વાડી વિસ્તારમાં રહેતા જગદીશ ઉર્ફે જગાભાઈ ડાભી પતિ અને પત્ની લક્ષ્મી જગદીશભાઈ ડાભી (ઉ.વ.૪૫)  વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. ઝગડો એ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું અને લોહિયાળ બન્યો હતો. જગદીશએ આવેશમાં આવી ઘરમાં પડેલ લોખંડનો દસ્તો લઈ પત્ની લક્ષ્મી ઉપર આડેધડ માર મારવા લાગેલ અને માથામાં પણ જોરદાર ઘા મારતા પત્ની લક્ષ્મી લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ ગઈ હતી. લક્ષ્મીબેનને તેના પરિવારે સિમર હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. મૃતક લક્ષ્મીના મૃત દેહને પોસ્ટ મોર્ટમ માટે ઉના હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ અંગે મરણ જનારના દીકરા કેતન અને દિનેશ પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા અને માતાનો મૃતદેહ જોઈ કેતન અને દિનેશ ભાંગી પડ્યા હતા હૃદય કલ્પાંત કરવા લાગ્યા હતા. વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અંગે નવાબંદર મરીન પોલીસને જાણ થતા ઈનચાર્જ પીઆઈ જેબલિયા, પી.એસ.આઈ. રાઠોડ, મહિલા પી.એસ.આઈ. કંચનબેન પરમાર સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પુત્રોનું નિવેદન નોંધી અને આરોપી જગદીશ ડાભીની પણ અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. આ અંગે મરણજનારના દીકરાએ નિવેદન આપ્યું હતું કે પિતા માનસિક બીમાર છે. અગાઉ દવા લેતા હતા. હાલ નથી લેતા. જ્યારે આરોપી જગદીશના ભાઈ પરબત ડાભીએ જણાવેલ કે મરણજનાર તેમના ભાભી લક્ષ્મીબેનને કોઈ સાથે આડા સંબંધ હોય તે વાતની જાણ કોઈએ ભાઈ જગદીશને કરેલ તે બાબતે ઝઘડો થયો હશે. પોલીસે આ અંગે હુમલાનું સાચું કારણ શોધવા ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.

(મૃતક)