કેશોદમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

ઘરકંકાસની આશંકા વચ્ચે કેશોદમાં ચકચારી ઘટના પત્નીની હત્યા કર્યા બાદ પતિએ વેરાવળ બાંદ્રા ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

કેશોદમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.ર૦
કેશોદમાં બુધવારે એક ચકચારજનક ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ કેશોદના સુમન સોસાયટી વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ બાલશ(ઉંમર ૨૭ વર્ષ)એ પોતાની પત્ની વિજયાબેન ઉર્ફે વિપુલાબેન બાલશની હત્યા કર્યા બાદ વેરાવળ-બાંદ્રા ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ વેરાવળ-બાંદ્રા ટ્રેન નીચે પડતું મૂકીને એક યુવાને આત્મહત્યા કરી હોવાની જાણ થતાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ ગીરીશભાઈ બાલશ તરીકે થઈ હતી. રેલવે પોલીસ દ્વારા મૃતકનો મોબાઇલ ફોન તપાસવામાં આવતાં તેમાં પોતાની પત્નીની હત્યા કરી હોવાનો વીડિયો મળી આવ્યો હતો. આ ગંભીર બાબત ધ્યાને આવતા રેલવે પોલીસે તાત્કાલિક કેશોદ પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમે કેશોદના સુમન સોસાયટી વિસ્તારમાં આવેલા ગીરીશભાઈ બાલશના નિવાસસ્થાને પહોંચીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી તેમની પત્ની વિજયાબેન ઉર્ફે વિપુલાબેન બાલશનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ વિભાગના ઈન્ચાર્જ ડીવાયએસપી હિતેશ ધાધલીયા, કેશોદ મામલતદાર સંદીપ મહેતા, કેશોદ પીઆઈ એમ.ડી. ચૌધરી તથા પીએસઆઈ વાજા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ શરૂ કરી હતી મૃતક ગીરીશભાઈ બાલશ કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા હતા તેઓ મૂળ કેશોદ તાલુકાના શેરગઢ ગામના વતની હતા. ગીરીશભાઈ અને વિજયાબેન ઉર્ફે વિપુલાબેનના લગ્નને ચાર વર્ષ જેટલો સમય થયો હતોફ પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે ચાલતા ઘરકંકાસના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે હત્યાનું ચોક્કસ કારણ શું હતું અને બનાવ પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક તરફ યુવાન પત્નીનો મૃતદેહ ઘરેથી મળી આવવો અને બીજી તરફ પતિએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લેવાની ઘટનાએ સમગ્ર કેશોદ પંથકમાં શોક અને ચકચારનું વાતાવરણ સજ્ર્યું છે. પોલીસે બંને બનાવોને જોડીને તપાસ શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતના પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમની હકીકત બહાર લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.