ખંભાળિયામાં ભારતીય કિસાન સંઘની કારોબારી બેઠક યોજાઈ

ખંભાળિયામાં ભારતીય કિસાન સંઘની કારોબારી બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૭
ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે રામદેવપીર મંદિર ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય કિસાન સંઘની વિશેષ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનું અધ્યક્ષસ્થાન રાષ્ટ્રીય અધિકારી ડો. પદ્મશ્રી દાદા લાડજીએ સંભાળ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના ખેડૂતોના અગત્યના પ્રશ્નો ગેસ પાઇપલાઇન, સિંચાઈ સુવિધા, વીજ ટાવર લાઇન, જમીન રી-સર્વે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે વિગેરે જેવા મહત્વના મુદ્દાઓ સાથે સાથે સંગઠનની નીતિ મુજબ ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને લગતા ૧૪ મુદ્દા સ્વીકારવામાં આવ્યા છે,  જેમાંથી અમુક પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે. આ મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્ય, પ્રદેશ કોષાધ્યક્ષ નરેન્દ્રભાઈ પટેલ તથા જિલ્લા પ્રભારી મનસુખભાઈ પટોડીયા દ્વારા આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધિકારી ડો. પદ્મશ્રી દાદા લાડજીએ ગાય આધારિત ખેતી તથા કપાસની ખેતી વિષે વિશેષ માહિતી આપી, જેથી ખેડૂતોને નવી દિશા મળી શકે. 
આ બેઠકમાં જિલ્લા તથા તાલુકાના તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. બેઠકનું સંચાલન જિલ્લા મંત્રી માલદેભાઈ ગોજીયા અને આભાર વિધિ જિલ્લા પ્રમુખ મનસુખ ચોપડા દ્વારા કરવામાં આવી હતી.