ગીરગઢડા તાલુકાના બેડીયા ગામે ગોચરની જમીન ઉપર મોબાઇલ ટાવરનું બાંધકામ, તંત્ર સમક્ષ રજૂઆત છતાં કાર્યવાહી નહીં

સર્વે નંબર ૧૮૮ની સરકારી જમીન મામલે કલેક્ટર, TDO અને મામલતદારને લેખિત રજૂઆત, તપાસ કરી કામગીરી અટકાવવાની માંગ

ગીરગઢડા તાલુકાના બેડીયા ગામે ગોચરની જમીન ઉપર મોબાઇલ ટાવરનું બાંધકામ, તંત્ર સમક્ષ રજૂઆત છતાં કાર્યવાહી નહીં

(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા.૧
ગીરગઢડા તાલુકાના બેડીયા ગામે સરકારી ગોચરની જમીન પર મોબાઇલ ટાવર ઊભો કરવાની ચાલી રહેલી કામગીરીને લઈને વિવાદ ઉભો થયો છે. ગામના સર્વે નંબર ૧૮૮ની જમીન સરકારી ગોચરની હોવાનો ઉલ્લેખ કરી સ્થાનિક જયસુખભાઈ ચનાભાઈ બલદાણીયાએ સમગ્ર મામલે તપાસ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર સહિત TDO અને મામલતદારને લેખિત રજૂઆત કરી છે. અરજદારે ટાવરનું બાંધકામ તાત્કાલિક અટકાવી જમીનના ઉપયોગ અને બાંધકામ માટેની મંજૂરીઓની તપાસ કરવાની માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, સર્વે નંબર ૧૮૮ની જમીન સરકારી ગોચર તરીકે નોંધાયેલી છે અને ગોચરની જમીનનો મુખ્ય હેતુ ગામના પશુઓ માટે ચરિયાણની વ્યવસ્થા કરવાનો હોય છે. તેમ છતાં આ જમીન પર વ્યવસાયિક હેતુસર મોબાઇલ ટાવર ઊભો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક મહિનાથી રજૂઆત છતાં કામગીરી યથાવત હોવાનો આક્ષેપ અરજદારના જણાવ્યા અનુસાર, આ સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓ સમક્ષ અગાઉથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં એક મહિનાનો સમય વીતી જવા છતાં ટાવરની કામગીરી બંધ કરાવવામાં આવી નથી. જેના કારણે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ટાવર જે સ્થળે ઊભો કરવામાં આવી રહ્યો છે તેની આસપાસ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધાર્મિક સ્થળ તેમજ રહેણાંક વિસ્તાર આવેલા હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થાનિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ટાવર માટેની તમામ જરૂરી મંજૂરીઓ અને નિયમોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
આરોગ્ય અને સલામતીને લઈને સ્થાનિકોની ચિંતા
મોબાઇલ ટાવરમાંથી થતા રેડિયો ફ્રીક્વન્સી ઉત્સર્જનને લઈને પણ સ્થાનિકોમાં ચિંતા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ખાસ કરીને ટાવરની આસપાસ રહેણાંક વિસ્તાર અને બાળકોની અવરજવર રહેતી હોવાથી સક્ષમ તંત્ર દ્વારા તકેદારીપૂર્વક તપાસ કરી ર્નિણય લેવાય તેવી માંગ કરવામાં આવી છે.
સાથે જ ગ્રામ પંચાયત દ્વારા ટાવર માટે કોઈ મંજૂરી આપવામાં આવી છે કે કેમ, સંબંધિત વિભાગોની પરવાનગી લેવામાં આવી છે કે કેમ અને સરકારી ગોચરની જમીન ઉપર બાંધકામ માટે કયા નિયમો લાગુ પડે છે તે અંગે પણ સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી છે.
હવે બેડીયા ગામના આ મામલે તંત્ર ક્યારે સ્થળ તપાસ હાથ ધરે છે અને ટાવરની કામગીરી અંગે શું ર્નિણય લે છે તેના ઉપર સૌની નજર છે. અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ ગોચરની જમીન, બાંધકામની મંજૂરી અને જાહેર સલામતીના મુદ્દે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે કે કેમ તે જાેવું રહ્યું.