પ્રાંચી નજીક ગાગેથા ફાટક પાસે ભયાનક અકસ્માત સર્જાયો : ટેન્કર સાથે કાર અથડાતા ચાર ગંભીર

પ્રાંચી નજીક ગાગેથા ફાટક પાસે ભયાનક અકસ્માત સર્જાયો : ટેન્કર સાથે કાર અથડાતા ચાર ગંભીર

(પ્રતિનિધિ દ્વારા)
પ્રાંચી તીર્થ તા.11
પ્રાચી તીર્થ નજીક  ગાગેથા ફાટક પાસે નેશનલ હાઈવે પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના હિંમતનગર વિસ્તારની હોન્ડાઈ કંપનીની NIOS કાર(નંબર: GJ-09-BM-9594)માં કુલ પાંચ લોકો સવાર હતા. આ તમામ લોકો સોમનાથ મંદિર ખાતે દર્શન કરીને દિવ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પ્રાંચલી નજીક નેશનલ હાઈવે રોડની વચ્ચે વાવેલા વૃક્ષોને પાણી આપવા માટે ટ્રેક્ટર સાથે પાણીનાં ટેન્કરને ઉભું રાખવામાં આવ્યું હતું ત્યારે સોમનાથ તરફથી આવતી કાર તેજ ગતિમાં ટેન્કરના પાછળના ભાગ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોમાં રમન દત્તા, મણીભાઈ, નરેનભાઈ અને નરસિંહભાઈનો સમાવેશ થાય છે. ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. બાદમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે કોડીનાર ખાતે આવેલ રાણા વાળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્તોમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તમામ ઇજાગ્રસ્તોને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ રોડની વચ્ચે ઉભેલા ટેન્કર અને પૂરતી ચેતવણીના અભાવને કારણે અકસ્માત બન્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે અને નેશનલ હાઈવે પર આવી કામગીરી દરમિયાન યોગ્ય સુરક્ષા વ્યવસ્થા, ચેતવણી ચિહ્નો અને ટ્રાફિક નિયંત્રણ સુનિશ્ચિત કરવા માંગ ઉઠી રહી છે, જેથી આવનારા સમયમાં આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય.