પૂર્વ ધારાસભ્ય રાજસી જોટવાના આદ્રી ગામની ઘટના..... "મહાકાળી ગૌશાળાના લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં સોનાની નોટો અને ડોલર નો વરસાદ..."

સાંસદ રાજેશ ચુડાસમા, માજી કેબિનેટ મંત્રી જશા બારડ, સહિત રાજકીય સામાજીક આગેવાનો એ કર્યો રૂપિયાનો વરસાદ

પૂર્વ ધારાસભ્ય રાજસી જોટવાના આદ્રી ગામની ઘટના.....  "મહાકાળી ગૌશાળાના લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં સોનાની નોટો અને ડોલર નો વરસાદ..."

 વેરાવળ તા.17

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલા આદ્રી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો. આ લાકડાયરામાં તરભ વાળીનાથ મંદિરના મહંત જયરામ જયરામગિરિ બાપુ પર ડોલર અને સોનાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. છેલ્લાં 25 વર્ષથી આદ્રી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે દર વર્ષે ભાદરવા મહિનાના સોમવારે પૂર્વ ધારાસભ્ય રાજસીભાઈ જોટવાના નેતૃત્વમાં આદ્રી ગામ સમસ્ત દ્વારા લોકડાયરાનું અને સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષના ગઈકાલે યોજાયેલા ડાયરામાં મહેસાણાના તરભ ગામના વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ બાપુ આશીર્વચન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

20 લાખથી વધુની ડોલર અને સોનાની નોટોનો વરસાદ

આ લોકડાયરામાં સાંસદ રાજેશ ચૂડાસમા, પૂર્વ ધારાસભ્ય તેમજ આયોજક રાજસીભાઈ જોટવા અને ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડે અને ગામના યુવાનોએ મહંત જયરામગિરિ બાપુને ડાયરાના મંચ પાસે લાવીને ડોલર અને સોનાની નોટોનો વરસાદ કર્યો હતો. ડાયરાના મંચ તેમજ જયરામગિરિ બાપુની આસપાસ નોટો ઢગલો થઇ જાય એટલી બધી નોટો ઉડાવવામાં આવી હતી. જોઈને સૌકોઈ અવાક થઈ જાય એવું આ દૃશ્ય ગઈકાલે રાત્રે આદ્રી ગામમાં જોવા મળ્યું હતું. જાણવા મળ્યા મુજબ આ ડાયરામાં 20 લાખથી વધુના ડોલર અને સોનાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ રૂપિયા ગૌશાળામાં ગાયોની સેવા માટે વાપરવામાં આવશે.

આ ડાયરામાં એકપણ નોટ બાકી નથી રહી : કલાકાર

ડાયરાના એક કલાકાર પોતાની પ્રસ્તુતિ દરમિયાન મંચ પરથી બોલ્યા કે આદ્રી ગામના આ ડાયરામાં એકપણ નોટ બાકી નથી રહી, જેનો અહીં વરસાદ ન થયો હોય. 10, 20, 50, 100, 500 અને બાકી હતું તો સોનાની અને ડોલરની નોટોનો પણ વરસાદ થયો છે.

35000 લોકો, 7000 મહિલા ડાયરામાં ઉપસ્થિત રહી

સામાન્ય રીતે કોઈપણ ડાયરામાં પુરુષોની સંખ્યા વધુ જોવા મળે છે અને મહિલાઓ નહિવત્ હોય છે, જોકે આદ્રી ગામના આ ડાયરામાં 35000 લોકોમાં 7000 મહિલા ઉપસ્થિત રહી હતી. વેરાવળ, પ્રભાસ પાટણ, તાલાળા અને સુત્રાપાડા વિસ્તારના આહીર સમાજ તેમજ અન્ય સમાજના લોકો આ ડાયરામાં હાજર રહ્યા હતા. આ ધાર્મિક કાર્યમાં અનેક જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો અને વિવિધ પક્ષોના પદાધિકારીએ ભાગ લીધો હતો.

10,000 લોકોનો સમૂહ પ્રસાદ

મહાકાળી ગૌશાળાના લાભાર્થે છેલ્લાં 35 વર્ષથી ભાદરવા માસના સોમવારે વાછરાદાદાના નૈવેદ્ય અને 10,000 લોકોનો સમૂહ પ્રસાદ ભોજન અને રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવે છે. 10,000 લોકો એક પંગતે બેસીને પ્રસાદ લે છે. બાદમાં રાત્રિના મનોરંજન માટે મહાકાળી માતાજી મંદિરના વિશાળ પ્રાંગણમાં કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવે છે.

આદ્રી ગામે છેલ્લાં 25 વર્ષથી મહાકાળી ગૌશાળા કાર્યરત છે, જેમાં ગામની તેમજ આજુબાજુની સેકડો ગાયોનો નિભાવ કરવામાં આવે છે. મહાકાળી ગૌશાળામાં રખડતી ભટકતી અને બીમાર ગાયોની સેવા માટે ગામના યુવાનો દિવસ દરમિયાન ખેતીકામ બાદ રાત્રિના 7થી 11 વાગ્યા સુધી ગૌશાળામાં નિત્ય સેવા આપે છે.