‘મારા દાદી-નાની જ મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ’: કરિશ્મા કપૂરે જણાવ્યું બોલ્ડ લિપસ્ટિક પાછળનું રહસ્ય

‘મારી દાદી ઘી ખાતાં અને ચહેરા પર પણ લગાવતાં’; અભિનેત્રીએ કહ્યું- બ્યુટી ટ્રેન્ડ કે ફિલ્મ સેટ નહીં, પરિવાર પાસેથી મળ્યો સુંદરતા પ્રત્યેનો અભિગમ

‘મારા દાદી-નાની જ મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ’: કરિશ્મા કપૂરે જણાવ્યું બોલ્ડ લિપસ્ટિક પાછળનું રહસ્ય

મુંબઈ, તા.૧૫
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર પોતાની સ્ટાઇલ અને ખાસ કરીને બોલ્ડ લિપસ્ટિક માટે લાંબા સમયથી જાણીતી છે. જોકે કરિશ્માના જણાવ્યા પ્રમાણે બોલ્ડ લિપસ્ટિક પ્રત્યેનો તેમનો લગાવ કોઈ બ્યુટી ટ્રેન્ડ કે ફિલ્મના સેટ પરથી આવ્યો નથી, પરંતુ તેની પાછળ તેમના પરિવાર અને ખાસ કરીને દાદી-નાનીનો પ્રભાવ રહ્યો છે.
કરિશ્માએ જણાવ્યું કે તેઓ પોતાની દાદી અને નાનીને જ પોતાના માટે સૌંદર્યનું ધોરણ માનતાં આવ્યાં છે. બાળપણથી બંનેને નજીકથી જોતાં તેમણે સુંદરતા અને પોતાની સંભાળ રાખવા અંગે ઘણી બાબતો શીખી હતી. તેમના મતે દાદી અને નાનીની ત્વચા સુંદર હતી અને તેઓ આજના સમયની જટિલ બ્યુટી રૂટિનને બદલે જૂના અને પરંપરાગત નુસખાઓમાં વધુ વિશ્વાસ રાખતાં હતાં.
પરંપરાગત બ્યુટી સ્ટાન્ડર્ડને અનુસરવા અંગે પૂછવામાં આવતાં કરિશ્માએ જણાવ્યું કે તેમણે ક્યારેય એવા નક્કી કરાયેલા ધોરણોને અનુસરવાનો પ્રયાસ કર્યો નથી. તેમના માટે દાદી અને નાની જ સાચાં ‘બ્યુટી સ્ટાન્ડર્ડ’ હતાં અને તેમની પાસેથી મળેલી સમજનો પ્રભાવ આજે પણ પોતાની પસંદગીમાં જોવા મળે છે.
કરિશ્માએ પોતાની દાદીની બ્યુટી રૂટિનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેઓ ઘી ખાતાં હતાં અને ચહેરા પર પણ ઘી લગાવતાં હતાં. આ ઉપરાંત હોઠ પર બ્રાઇટ રંગ લગાવવાનું તેમને પસંદ હતું. કરિશ્માના મતે બોલ્ડ અને બ્રાઇટ લિપ કલર્સ પ્રત્યેનો પોતાનો પ્રેમ પણ ત્યાંથી જ વિકસ્યો હતો.
અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું કે બોલ્ડ લિપસ્ટિક પ્રત્યેની તેમની પસંદગી કોઈ સમયના લોકપ્રિય બ્યુટી ટ્રેન્ડ કે ફિલ્મી દુનિયાની અસરનું પરિણામ નથી. તેમના માટે સુંદરતાની સમજ પરિવારની મહિલાઓની સાદગી, પરંપરાગત નુસખાઓ અને આત્મવિશ્વાસ સાથે જોડાયેલી રહી છે.