રશિયાએ અમર્યાદિત રેન્જ ધરાવતી અદ્રશ્ય મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું : પશ્ચિમના દેશો ધ્રુજી ઉઠયા
વિશ્વના તમામ દેશોની સીસ્ટમથી અદ્રશ્ય રહેલી રશિયાની મિસાઈલે ૧પ કલાક ઉડાન ભરી, ૧૪૦૦૦ કિમીનું અંતર કાપ્યું
(એજન્સી) મોસ્કો તા.ર૭
યુક્રેન સામેના યુદ્ધ વચ્ચે રશિયાએ અમર્યાદિત રેન્જ અને મહિનાઓ સુધી હવામાં રહેવાની ક્ષમતા ધરાવતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના જણાવ્યા અનુસાર, આ મિસાઇલ હાલમાં ૧૪,૦૦૦ કિલોમીટરની રેન્જમાં ૧૫ કલાક ઉડાન ભરી હતી. આ સમય દરમિયાન બ્યૂરોવેસ્ટનિક નામની આ અદ્રશ્ય મિસાઇલ દુનિયાથી સંપૂર્ણપણે છુપાયેલી રહી હતી.
પુતિને રશિયન-યુક્રેનિયન રણભૂમિની મુલાકાત લીધી અને ફિલ્ડ કમાન્ડરો સાથે મુલાકાત કરી. સૈનિકોને સંબોધતા પુતિને બ્યૂરોવેસ્ટનિક ક્રુઝ મિસાઇલના સફળ પરીક્ષણ વિશે માહિતી શેર કરી. પુતિને જણાવ્યું કે રશિયન ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ (આર્મી ચીફ) વેલેરી ગેરાસિમોવે અહેવાલ આપ્યો કે ૨૧ ઓક્ટોબરના રોજ મિસાઇલે ૧૪,૦૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું અને વિશ્વની તમામ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને હરાવવાની ક્ષમતા દર્શાવી. વિશ્વની કોઈપણ સંરક્ષણ પ્રણાલી આ મિસાઇલને શોધવામાં નિષ્ફળ ગઈ.


