અફઘાનિસ્તાનમાં ભૂકંપ બાદ ભયાનક સ્થિતિ, મૃત્યુઆંક ૨૨૦૦ને પાર થયો
કાબુલ, તા.૪
અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને ગુરુવાર સુધીમાં મૃત્યુઆંક ૨૨૦૦ને પાર પહોંચી ગયો છે. આ ભૂકંપને દેશમાં છેલ્લા કેટલાક દાયકાઓનો સૌથી ભયાનક અને વિનાશક ભૂકંપ માનવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર ૬.૦ની તીવ્રતાના આ ભૂકંપથી પાકિસ્તાનની સરહદને અડીને આવેલા પર્વતીય પ્રદેશોમાં ભારે તબાહી મચી છે.
તાલિબાન સરકારના ડેટા મુજબ, ભૂકંપના કારણે સૌથી વધુ કુનાર પ્રાંતમાં ૨૨૦૫ લોકોના મોત અને ૩૬૪૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પડોશી નંગરહાર અને લગમાન પ્રાંતમાં પણ ૧૨ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તાલિબાન સરકારના પ્રવક્તા હમદુલ્લાહ ફિત્રતે કહ્યું કે, ‘બચાવ અને રાહત કાર્ય હજુ પણ ચાલુ છે. ધરાશાયી થયેલા મકાનોના કાટમાળમાંથી હજુ પણ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે.
પર્વતીય કુનાર પ્રાંતના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. ભૂકંપના આફ્ટરશોક્સને કારણે થયેલા ભૂસ્ખલનથી રસ્તાઓ સંપૂર્ણ તૂટી ગયા છે, જેના કારણે બચાવ અને રાહત કામગીરી ધીમી પડી છે.
નુર્ગલ જિલ્લામાં સેંકડો ગ્રામજનો ખુલ્લા આકાશ નીચે જીવન ગુજારવા મજબૂર બન્યા છે. તેમને ખાવા-પીવાની ચીજવસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં મળી રહી નથી, જેના કારણે ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે. મજાર દારામાં જ્યાં સેંકડો લોકોએ આશ્રય લીધો છે, ત્યાં ભોજન માટે મારામારી પણ થઈ હોવાના અહેવાલો છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને(ઉૐર્ં) ચેતવણી આપી છે કે, સ્થાનિક આરોગ્ય સેવાઓ ખોરંભે પડી ગઈ છે. ટ્રોમા, દવાઓ અને સ્ટાફની ભારે અછત છે. ઉૐર્ંએ આરોગ્ય સેવાઓ અને પુરવઠા વિતરણ માટે ૪ મિલિયન ડૉલરની મદદ કરવાની અપીલ કરી છે. ઉૐર્ંના અફઘાનિસ્તાન માટે ઈમર્જન્સી ટીમ લીડ જમશેદ તનોલીએ કહ્યું કે, ‘દરેક કલાક કિંમતી છે. હૉસ્પિટલો સંઘર્ષ કરી રહી છે, પરિવારો શોકમાં છે અને બચેલા લોકોએ બધું ગુમાવી દીધું છે.’


