વિદેશ પ્રવાસેથી પરત આવતાની સાથે જ વડાપ્રધાને તાકિદની બેઠક બોલાવી

તમામ મંત્રીઓને હાજર રહેવા આદેશ : સરકારમાં ફેરબદલ કે નવા આર્થિક પગલા ? અનેક તર્કવિતર્ક

વિદેશ પ્રવાસેથી પરત આવતાની સાથે જ વડાપ્રધાને તાકિદની બેઠક બોલાવી

(એજન્સી)    નવી દિલ્હી, તા.21
પાંચ દેશોના પ્રવાસેથી પરત ફરતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તાકિદની બેઠક બોલાવી છે. જેમાં તમામ મંત્રીઓને હાજર રહેવાની સુચના અપાતા રાજકીય સસ્પેન્સ સર્જાયું છે. પશ્ચિમ એશિયાના યુધ્ધના સંકટ વચ્ચે આર્થિક પગલાઓની ચર્ચા હશે કે સરકારમાં કેબીનેટ ફેરબદલની વાત હશે તે વિશે અટકળો અને તર્કવિતર્કો થઇ રહ્યા છે.
પાટનગરના સેવાતિર્થ ખાતે આ બેઠક બપોરે ચાર વાગ્યે મળી રહી છે અને તેમાં તમામ કેબીનેટ, સ્વતંત્ર હવાલો ધરાવતા ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓને પણ ઉપસ્થિત રહેવા કહેવાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસ પરથી ભારત પરત ફરતાની સાથે જ એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં કેબિનેટ કક્ષાના તમામ વરિષ્ઠ મંત્રીઓથી લઈને તમામ જુનિયર (રાજ્યકક્ષાના) મંત્રીઓ પણ ફરજિયાતપણે સામેલ થવાના છે.
અચાનક તમામ મંત્રીઓને આગામી દિવસોમાં દિલ્હીની બહાર ન જવા અને રાજધાનીમાં જ રહેવાનો આદેશ મળતાં આ મીટિંગને લઈને સસ્પેન્સ અને ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે. વૈશ્વિક અને આંતરિક પરિસ્થિતિઓને જોતા આ બેઠકમાં દેશની સુરક્ષા અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાસાઓ પર મંત્રીઓ સમક્ષ વિસ્તૃત વિગતો રાખવામાં આવશે.