અદાણી મુંદ્રા એરપોર્ટ ઉપરથી ૫૨ દિવસમાં ૧૦,૦૦૦ મુસાફરોએ ઉડાન ભરી
(પ્રતિનિધિ દ્વારા)
મુંદ્રા, તા.૧પ
અદાણી મુંદ્રા એરપોર્ટનાં નવા બનેલા આધુનિક ટર્મિનલે માત્ર ૫૨ દિવસમાં ૧૦,૦૦૦ મુસાફરોનું સીમાચિહ્ન પાર કરી અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ૨૩ જૂન ૨૦૨૬થી દેશનાં વિવિધ શહેરો સાથે હવાઈસેવા શરૂ થતાં આ નવનિર્મિત ટર્મિનલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આટલા ટૂંકા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરીને કચ્છની હવાઈ કનેક્ટિવિટીના નવા અધ્યાયને વધુ મજબૂત બનાવ્યો છે.
અદાણી ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવેલું આ વિશ્વસ્તરીય એરપોર્ટ પર સ્ટાર એરની વિવિધ એરલાઇન સેવાઓ કાર્યરત છે. દેશના મહાનગરો સાથે સીધી તેમજ વન-સ્ટોપ કનેક્શન્સ દ્વારા મુંદ્રા હવે કચ્છનું મહત્વનું સિવિલ એવિએશન હબ બની ગયું છે. ભુજ અને કંડલા પછી આ ત્રીજું હબ ઝડપથી મુસાફરોનો વિશ્વાસ જીતી રહ્યું છે.
રેકોર્ડબ્રેક પ્રદર્શનના મુખ્ય કારણો જાેવા જઈએ તો ૧,૯૦૦ મીટર લાંબી રનવે અને આધુનિક ટર્મિનલ સુવિધાઓ. સરળ ચેક-ઇન, વેઇટિંગ લાઉન્જ, વ્હીલચેર સુવિધા અને એર-કન્ડિશન્ડ ફૂડ કોર્ટ, સ્ટાર એરની નિયમિત અને વિશ્વસનીય ઉડાનો, કચ્છના ઔદ્યોગિક વિકાસ, પોર્ટ-લેડ ઈકોનોમી અને કચ્છના પર્યટનને કારણે વધતી માંગને લીધે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મુંદ્રા એરપોર્ટ હવે કચ્છને દેશના મુખ્ય શહેરો સાથે જાેડતું મજબૂત એકમ બની ગયું છે. આ સફળતા અદાણી ગ્રુપના વિકાસ મોડલ અને સ્ટાર એરની રીજનલ કનેક્ટિવિટી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ ઉદાહરણ છે.


