આજે વહેલી સવારથી ગાંધીનગરમાં મેગા ડિમોલીશન રૂા.૧૦૦૦ કરોડની જમીન ખુલ્લી કરાવાશે
(બ્યુરો) ગાંધીનગર તા.૧૮
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં GEB પાછળ નદીકિનારે સરકારી જમીન પર થયેલાં ગેરકાયદે 150 થી વધુ દબાણોને દૂર કરવા માટે આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે 10 JCB, 15 આઈવા ટ્રક અને 700 થી વધુ પોલીસકર્મચારીઓનો કાફલો તહેનાત કરાયો છે. આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં દબાણકર્તાઓનાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત 1000 કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.
આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે આજ સવારે 4 વાગ્યાથી આરએન્ડબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયાં છે એને હટાવવા માટે લગભગ 20 ટીમ કોર્પોરેશન અને આરએન્ડબી તરફથી પોલીસકર્મચારી અધિકારી સાથે જોડાયેલી છે. આ કામગીરી માટે 700થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા છે. આ કાર્યવાહી દ્વારા 1 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરવાનો છે. આ જમીનની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ડિમોલિશનની કામગીરી સતત ચાલુ છે અને દબાણોને હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે.


