‘આપ’ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની ‘પાસા‘ હેઠળ ધરપકડ : અમદાવાદ જેલ હવાલે

‘આપ’ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની ‘પાસા‘ હેઠળ ધરપકડ : અમદાવાદ જેલ હવાલે

જૂનાગઢ તા. ૩૧
જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને સ્થાનિક રાજકારણમાં જાણીતા ચહેરા એવા હરેશ સાવલિયાની  ગત મોડી રાત્રે ૨ વાગ્યે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેસાણ ખાતેથી ‘પાસા‘ હેઠળ ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ કાફલા દ્વારા તેમને તાત્કાલિક અમદાવાદની સાબરમતી જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
હરેશ સાવલિયા સામેની કાયદેસરની કાર્યવાહીની શરૂઆત વિસાવદર તાલુકાના માંડાવડ મગફળી ખરીદ કેન્દ્ર પર થયેલા હોબાળાથી થઈ હતી. ડિસેમ્બર ૨૦૨૫ના અંતિમ સપ્તાહમાં હરેશ સાવલિયા અને તેમના સાથીઓ પર મગફળી કેન્દ્ર ખાતે ખેડૂતો પાસેથી કથિત રીતે પૈસા ઉઘરાવવા અને દાદાગીરી કરવાના આક્ષેપો થયા હતા. આ ઘટનામાં એક મહિલા શ્રમિક સાથે ગેરવર્તણૂક કરવાના અને જ્ઞાતિસૂચક અપશબ્દો બોલવાના આરોપસર વિસાવદર પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ એટ્રોસિટી અને છેડતીની કલમો હેઠળ ગંભીર ફરિયાદ નોંધાઈ હતી.
 આ મામલે તેમની ધરપકડ કરી જૂનાગઢ જેલમાં રાખવામાં આવ્યા હતા. હરેશ સાવલિયા જ્યારે જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતા ત્યારે જાન્યુઆરી ૨૦૨૬માં જેલ પરિસરમાં જ અન્ય કેદીઓ સાથે તેમની લોહિયાળ અથડામણ થઈ હતી. મળતી વિગતો મુજબ સાગર ચાવડા નામના કેદી સાથે સામાજિક બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. હરેશ સાવલિયાએ કથિત રીતે ગટરના ઢાંકણા વડે હુમલો કરી કેદીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ મથકમાં હત્યાની કોશિશ અને ફરીથી એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. સામા પક્ષે હરેશ સાવલિયા પર પણ અન્ય કેદીઓએ હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. એક પછી એક નોંધાયેલા ગુનાઓ અને જેલમાં થયેલી હિંસક ઘટનાને ધ્યાને રાખી જૂનાગઢ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હરેશ સાવલિયા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા આ દરખાસ્ત મંજૂર કરાતા, LCBએ મધરાતે ઓપરેશન પાર પાડી ભેસાણથી તેમની અટકાયત કરી હતી. સામાન્ય રીતે પાસા હેઠળની ધરપકડમાં આરોપીને પોતાના જિલ્લાથી દૂરની જેલમાં રાખવાનો નિયમ હોવાથી તેમને સાબરમતી જેલ, અમદાવાદ ખાતે મોકલી દેવાયા છે.