ઓખા-તિરૂપતિ એક્સપ્રેસનો શુભારંભ કરાવતા સાંસદ પુનમબેન માડમ

ઓખા-તિરૂપતિ એક્સપ્રેસનો શુભારંભ કરાવતા સાંસદ પુનમબેન માડમ

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.12
સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય મહાનુભાવો દ્વારા 11 મે, 2026ના રોજ ઓખા રેલ્વે સ્ટેશનથી ઓખા-તિરૂપતિ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને પ્રસ્થાન સંકેત બતાવી શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજકુમાર મીનાએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા રેલવે સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવી રહેલા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે  સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે ઓખા અને તિરૂપતિ વચ્ચે આ નવી ટ્રેનની શરૂઆતથી બે મહત્વપૂર્ણ તીર્થધામો-દેવભૂમિ દ્વારકા અને તિરૂપતિ બાલાજી - પરસ્પર જોડાઈ ગયા છે. આ ટ્રેન શરૂ થવાથી સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી સુવિધા અને સરળ મુસાફરીનો લાભ મળશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમશિર્યલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, આ ટ્રેનની વિગતો મુજબ ટ્રેન નંબર 19560/19559 ઓખા-તિરૂપતિ એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેન નંબર 19560 ઓખા-તિરૂપતિ એક્સપ્રેસ (સાપ્તાહિક) ઓખાથી દર સોમવારે 23.35 કલાકે ઉપડશે, મંગળવારે વહેલી સવારે 04.00 કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે 23.30 કલાકે તિરૂપતિ પહોંચશે. વળતી દિશામાં ટ્રેન નંબર 19559 તિરૂપતિ-ઓખા એક્સપ્રેસ (સાપ્તાહિક) તિરૂપતિથી દર ગુરૂવારે સવારે 8.15 કલાકે ઉપડશે અને શનિવારે વહેલી સવારે 5.25 કલાકે રાજકોટ અને તે જ દિવસે 11.50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ઉધના, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવળ, મલકાપુર, અકોલા, વાશિમ, હિંગોલી ડેક્કન, બસમત, પૂર્ણા, હજૂર સાહિબ નાંદેડ, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, બોલારમ, કાચીગુડા, મહેબૂબનગર, ગદવાલ, કુર્નૂલ સિટી, ડોન, તાડપત્રી, કડપા, રાજમપેટા, રેનિગુંટા અને તિરૂપતિ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કોચ ઉપલબ્ધ રહેશે.