કેન્સરનો વિશ્વવ્યાપી અજગર ભરડો : દર વર્ષે બે કરોડ નવા કેસ અને ૧ કરોડ મૃત્યુ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧:
વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય કેન્સર સંશોધન એજન્સી દ્વારા જાહેર કરાયેલા વર્ષ ૨૦૨૬ના વૈશ્વિક કેન્સર સ્થિતિ અહેવાલે અત્યંત ગંભીર ચેતવણી આપી છે. વર્ષ ૨૦૨૪માં વિશ્વમાં આશરે ૨.૦૬ કરોડ નવા કેન્સર કેસ અને લગભગ ૧ કરોડ મૃત્યુ નોંધાયા હોવાનો અંદાજ છે. તાત્કાલિક અને અસરકારક પગલાં નહીં લેવાય તો વર્ષ ૨૦૫૦ સુધીમાં દર વર્ષે નવા કેસનો આંકડો લગભગ ૩.૫ કરોડ સુધી પહોંચી શકે છે.
સોશિયલ મીડિયા અને ખાસ કરીને યુટ્યુબ ઉપર છેલ્લા કલાકોમાં ‘ધ કેન્સર વેક અપ કોલ: વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ આપણાં બધાં માટે શું કહે છે‘ શીર્ષકનો વિડિયો ભારે ચર્ચામાં આવ્યો છે. તેની સાથે વિશ્વ આરોગ્ય સંસ્થાના કેન્સર અંગેના અહેવાલની લિક પણ વહેંચવામાં આવી રહી છે. આ અંગે વિસ્તૃત ખરાઈ કરતાં સ્પષ્ટ થયું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાનો મૂળ અહેવાલ સંપૂર્ણપણે સાચો અને સત્તાવાર છે, પરંતુ હાલમાં ફરતો આ વિડિયો વિશ્વ આરોગ્ય સંસ્થાનો સત્તાવાર વિડિયો નથી. તે અમેરિકાની આરોગ્ય અને આહાર વિષયક યુટ્યુબ ચેનલ ‘શેફ એજે‘ ઉપર રજૂ થયેલી ચર્ચા છે. આ જ શીર્ષકનો વિડિયો ચેનલના તાજેતરના વિડિયોમાં નોંધાયેલો છે.


