કેપ્ટન જેક સ્પેરોની વાપસીની આશા ફરી જાગી
જોની ડેપ ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન 6’માં પરત ફરવા તૈયાર; નિર્માતા જેરી બ્રુકહાઇમર સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી
મુંબઈ તા.7
હોલિવૂડ અભિનેતા જોની ડેપ લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’ના છઠ્ઠા ભાગમાં ફરી એકવાર કેપ્ટન જેક સ્પેરોના લોકપ્રિય પાત્રમાં જોવા મળી શકે છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ડેપે આ પાત્રમાં વાપસી કરવાની તૈયારી દર્શાવતાં ફિલ્મપ્રેમીઓમાં નવી આશા જગાવી છે. તેમણે જણાવ્યું હતું કે જો ફ્રેન્ચાઇઝીને યોગ્ય રીતે આગળ વધારવાની યોજના હોય, તો તેઓ તેમાં જોડાવા ઇચ્છશે અને આ સિરીઝને એક યોગ્ય અંત મળે તેવી તેમની પણ ઇચ્છા છે.
‘એન્ટરટેઇનમેન્ટ ટુનાઇટ’ સાથેની વાતચીત દરમિયાન જોની ડેપે નિર્માતા જેરી બ્રુકહાઇમર સાથેના પોતાના સંબંધો અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે બ્રુકહાઇમર સાથે તેમની ગાઢ મિત્રતા છે અને તેઓ તેમની સાથે કોઈપણ પ્રોજેક્ટમાં કામ કરવા તૈયાર છે. અગાઉ જેરી બ્રુકહાઇમરે પણ ડેપની વાપસી અંગે સંકેત આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બંને વચ્ચે આ અંગે વાતચીત ચાલી રહી છે અને ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા પણ શરૂ છે.
ઉલ્લેખનીય છે કે જોની ડેપ અત્યાર સુધી ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’ની પાંચેય ફિલ્મોમાં કેપ્ટન જેક સ્પેરોની ભૂમિકા ભજવી ચૂક્યા છે. વર્ષ 2003માં રિલીઝ થયેલી પ્રથમ ફિલ્મ ‘ધ કર્સ ઓફ ધ બ્લેક પર્લ’થી આ ફ્રેન્ચાઇઝીની શરૂઆત થઈ હતી, જ્યારે તેનો પાંચમો ભાગ ‘ડેડ મેન ટેલ નો ટેલ્સ’ વર્ષ 2017માં રિલીઝ થયો હતો. આ પાંચેય ફિલ્મોએ વિશ્વભરમાં મળીને 4.5 અબજ ડોલરથી વધુની કમાણી કરી છે. આ પાત્ર માટે જોની ડેપને ઓસ્કરનું નોમિનેશન પણ મળ્યું હતું.
હાલમાં જોની ડેપ પોતાની આગામી ફિલ્મ ‘એબેનેઝર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 13 નવેમ્બરે રિલીઝ થવાની છે. જોકે, ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’ના છઠ્ઠા ભાગમાં તેમની વાપસી અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં ડેપના તાજેતરના નિવેદન અને નિર્માતા સાથે ચાલી રહેલી ચર્ચાઓને કારણે ફરી એકવાર કેપ્ટન જેક સ્પેરોને મોટા પડદા પર જોવાની દર્શકોની આશા વધી છે.


