કેશોદની શિક્ષક સોસાયટીમાં આવી ચડેલા દીપડો બે કલાકની જહેમત બાદ પાંજરે પુરાયો
જૂનાગઢ તા. 11
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આવેલા અજાબ રોડ પરની શિક્ષક સોસાયટીમાં વન વિભાગે અંદાજે 2 કલાક સુધી દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને એક દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂર્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાને કારણે સ્થાનિક રહીશો ભારે ફફડાટ અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા. રાત્રે દીપડો ફરી દેખાતાં જ વન વિભાગની ટીમે ખાસ વ્યુહરચના ગોઠવી તેને પકડી પાડ્યો હતો, જેના પગલે સોસાયટીના લોકોએ હાશકારો અનુભવ્યો છે.
બનાવની વિગત એવી છે કે, કેશોદના અજાબ રોડ પર આવેલી શિક્ષક સોસાયટી અને તેની આસપાસના સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર વધી ગઈ હતી. દરમ્યાન સોસાયટીના રહીશ વિવેક ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મેં 9 જૂનની અને આજે (10 જૂન) રાત્રે પણ આશરે 09:00 વાગ્યાના અરસામાં દીપડાને સોસાયટી નજીક ખુલ્લેઆમ ફરતો જાેયો હતો. વિસ્તારમાં નાના બાળકો અને મહિલાઓમાં ભારે ભયનો માહોલ હોવાથી અમે તાત્કાલિક ફોરેસ્ટ ખાતાને આ અંગે ટેલિફોનિક જાણ કરી હતી.
દીપડો રહેણાંક વિસ્તારમાં હોવાની ગંભીરતાને સમજીને કેશોદ વન વિભાગનો કાફલો જરૂરી સાધનો અને પાંજરા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. દીપડો હિંસક બનીને કોઈ નાગરિક પર હુમલો ન કરી બેસે તે માટે પરિસ્થિતિને કાબૂમાં લેવા અમરાપુરથી વન વિભાગની વિશેષ એક્સપર્ટ રેસ્ક્યૂ ટીમને પણ તાકીદે બોલાવવામાં આવી હતી. વન વિભાગના સ્ટાફે દીપડાને ઘેરીને તેને પકડવા માટે ચારેય તરફ મજબૂત વ્યુહરચના ગોઠવી હતી.
વન વિભાગની જુદી-જુદી ટીમોએ સ્થાનિકોની મદદથી ભારે સાવચેતીપૂર્વક આશરે 2 કલાક સુધી સઘન સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. આખરે દીપડાને એક બિલ્ડિંગની આડશમાંથી પાંજરા તરફ ધકેલીને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં મોટી સફળતા મળી હતી. દીપડો પકડાયાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ આ દિલધડક દૃશ્યો જાેવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. હાલ વન વિભાગે દીપડાનો કબજાે મેળવી, તેનું તબીબી પરીક્ષણ કર્યા બાદ તેને માનવ વસ્તીથી દૂર ઘનઘોર વન વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.


