ખંભાળિયાની નરસિંહ મહેતા ગૌશાળા પાંજરાપોળમાં ગૌવંશની થતી અનન્ય સેવા

અનેક નિરાધાર બળદને આશ્રય આપવામાં આવ્યો છે

ખંભાળિયાની નરસિંહ મહેતા ગૌશાળા પાંજરાપોળમાં ગૌવંશની થતી અનન્ય સેવા

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.18
નિરાધાર, બીમાર, અકસ્માતગ્રસ્ત, અપંગ અને પીડિત ગૌવંશની સેવા એ જ સાચી માનવતા છે. આ ભાવનાને સાકાર કરતી ખંભાળિયા ખાતે કાર્યરત શ્રી નરસિંહ મહેતા ગૌશાળા છેલ્લા ઘણા વર્ષોથી નિ:સ્વાર્થ ભાવે ગૌસેવાનું પવિત્ર કાર્ય કરી રહી છે. અહીંની ગૌશાળામાં રસ્તા પર રઝળતા, અકસ્માતગ્રસ્ત, બીમાર તથા નિરાધાર ગૌવંશને આશરો, સારવાર, ચારો અને પ્રેમભરી સંભાળ આપવામાં આવે છે. ગૌશાળાની શરૂઆત માત્ર 150 ગૌવંશથી થઈ હતી, જે આજે વધીને 320થી વધુ ગૌવંશ સુધી પહોંચી છે. આશરે એક વર્ષ પહેલાં ખંભાળિયા નગરપાલિકાના કહેવાથી 110 નંદીઓને આ ગૌશાળામાં આશરો આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તાજેતરમાં વધુ એક વખત નગરપાલિકાના પ્રમુખની સૂચનાથી વધુ 58 ખૂંટિયા (નંદીઓ)ને શ્રી નરસિંહ મહેતા ગૌશાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ ગૌશાળાએ સંપૂર્ણ નિ:સ્વાર્થ ભાવે આ તમામ નંદીઓને આશ્રય, ચારો-પાણી, સારવાર અને સંભાળની જવાબદારી સ્વીકારી છે. આજે ગૌશાળા માત્ર આશ્રયસ્થાન નથી, પરંતુ કરુણા, સેવા અને માનવતાનું જીવંત પ્રતિક બની છે. ખંભાળિયા શહેર તથા આજુ બાજુના વિસ્તારોમાં કોઈપણ દાતા, ગૌભક્ત કે નાગરિક ગૌશાળાની મુલાકાત લઈને અહીં ચાલી રહેલા સેવાકીય કાર્યોને નિહાળી શકે છે. તથા યોગદાન આપી શકે છે. આ ગૌશાળા "ગૌસેવા એ મહાદાન છે, ગૌસેવા એ માનવતા છે"ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરે છે.
શ્રી નરસિંહ મહેતા ગૌશાળા પાંજરાપોળ ચેરીટેબલ ટ્રસ્ટ અહીંના શક્તિનગર પ્રજાપતિ વાડીની પાછળના માર્ગે આવેલી છે. આ ગૌશાળામાં સહાય, સેવા માટે નરસિંહભાઈ મોવાણ વાળા (મો. 9426649151) અને કપિલ કિશોરભાઈ દતાણી (મો. 9601166269)નો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.