ગુજરાતના પાંચ જીલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

પ્રિ-મોન્સુન એકટીવીટી : તાપમાનમાં પાંચ ડીગ્રીનો ઘટાડો થતા લોકોને ભારે રાહત

ગુજરાતના પાંચ જીલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

(બ્યુરો)           ગાંધીનગર તા.01
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં આજે મોટો પલટો આવ્યો છે. આજે 1 જૂને પાંચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સક્ર્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આ પ્રી-મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા મોટી રાહત મળી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાયક્લોનિક સક્ર્યુલેશનની અસરને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ સાથે જ રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે. આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના દિવસોમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે રહેવાની સંભાવના છે.